સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં ત્રીજા દિવસે 2.5 લાખથી વધુ લોકો ઉમટ્યા
લોકગાયિકા સુશ્રી રાજલ બારોટના સુમધુર કંઠે ભક્તિગીતો, લોકગીત અને ભજનની રંગત જામી
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025ના ત્રીજા દિવસે મેળાએ લોકપ્રિયતાની નવી ઊંચાઈ સર કરી હતી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાંથી 2.5 લાખથી વધુ મુલાકાતીઓ સોમનાથ દાદાના દિવ્ય સાનિધ્યમાં મેળામાં સાત્વિક આનંદ માણવા ઉમટી પડ્યા હતા. મેળાની વ્યવસ્થા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સુચારૂૂ લે-આઉટ પ્લાન તેમજ અદભૂત આયોજન કરવામાં આવેલ હોવાથી લોકોએ નિશ્ચિંત રીતે પરિવાર સાથે મેળાનો આનંદ માણ્યો હતો.
મેળાના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ પ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી રાજલબેન બારોટનું સુમધુર ગાયન રહ્યું હતું. તેમની રાગણીમાં ભક્તિગીતો, લોકગીતો અને ભજનોની સરસ્વતી વહેતી રહી હતી, જેના પર લોકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે લાખો ભક્તોએ દેવાધિદેવ મહાદેવનું પાવન સાનિધ્ય અનુભવ્યું હતું.
મેળાના ત્રીજા દિવસે બાળકોની રાઇડ્સ, ખાણી-પીણી, ઇન્ડેક્સ-સી, હસ્તકલા અને લલિત કલા ગેલેરી, ગુજરાત સરકારનો સરસ મેળો સહિતના તમામ એકમોને અવિસ્મરણીય પ્રતિસાદ મળ્યો હતો.
આમ, લોકોની સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રમાં રાખી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કલા, સંસ્કૃતિ, વ્યંજન અને આનંદથી ભરપૂર કાર્તિકી પૂર્ણિમા મેળો 2025ને સમાજમાં બાળ,યુવા અને વડીલો પ્રત્યેક વર્ગ દ્વારા અત્યંત પ્રશંસા અને પ્રેમ પ્રાપ્ત થઈ રહ્યા છે.