શ્રાવણ માસમાં 16.17 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શિશ નમાવ્યું
50થી વધુ દેશોના 18.32 કરોડ ભકતોએ ઓનલાઇન દર્શન કર્યા, 1.75 લાખ લોકોએ ભોજન પ્રસાદ લીધો
શ્રાવણ માસનો પ્રારંભ તા.25 જુલાઈ રોજ થયેલ અને તા.23 ઓગસ્ટના રોજ શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગીયારસ, માસિક- શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા. આ શ્રાવણ નવા પ્રકલ્પોના પ્રારંભ સાથે વિશેષ રહ્યો હતો, જેમાં અનેક નવી પહેલ ને કારણે યાત્રી સુવિધાઓ વધુને વધુ સુલભ બની હતી.
સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 16.17 લાખથી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. તો સાથેજ 50 થી વધુ દેશોમાં 18.32 કરોડ ભક્તોએ વિશ્વના ખૂણે ખૂણે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના સોમવારો, પૂનમ, માસિક શિવરાત્રી અમાસ દરમ્યાન યોજાતી પાલખીયાત્રા મોટું આકર્ષણ બની હતી, આ સાથે જન્માષ્ટજમી પર શ્રાવણની સર્વાધિક 1.73 લાખ જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. શ્રી સોમનાથ મંદિરની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ વર્ષોથી આદર્શ રીતે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને સેવા પૂરી પાડી રહી છે. પરંતુ તેમાં પણ એક ડગલું આગળ જઈને ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત એનાઉન્સમેન્ટ ટાવર અને રીચઆઉટ પ્રોગ્રામ અંતર્ગત વિશેષ સ્ટાફ અને સ્વયંસેવકો ગોઠવીને સીનીયર સીટીઝનને સામેથી અપ્રોચ કરી તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ જેવી કે ગોલ્ફકાર્ટ, અટેન્ડી, વીલચેર વિશે માહિતગાર કરી તેનો લાભ લેવા માટે પ્રેરણ આપવામાં આવી હતી જેના ફળ સ્વરૂૂપે 20,000 થી વધુ સીનીયર સીટીઝનો ને સુચારું દર્શન કરાવવામાં આવ્યા હતા.
શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 800 થી વધુ ધ્વજા રોહણ, 1200 જેટલી સોમેશ્વર મહાપૂજન, 9797 રૂૂદ્રાભિષેક, સહિતની પુજાવિધિ સાથે શ્રદ્ધાળુ પરીવારો ધન્ય બનેલા હતા. શ્રાવણ માસ પર્યન્ત શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત હજારો પરીવારોએ મહામૃત્યુંજય યજ્ઞમાં ભાગ લઇ ધન્ય બનેલા. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 2.75 લાખ યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં 1.75 લાખ થી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.
આ ઉપરાંત વિવિધ સામાજીક સંસ્થાઓ, ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમીયાન હજારો યાત્રીઓને ફલાહાર કરાવવામાં આવેલ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શ્રીસોમનાથ મહાદેવના દર્શને પધારેલ હતા ત્યારે તેઓના હસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ , ગુજરાત પ્રવાસન, અને IGNCA કૃત વંદે સોમનાથ કાર્યક્રમ માત્ર એક કલા મહોત્સવ ન રહી સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાની પુન:પ્રતિષ્ઠા રૂૂપ મહોત્સવ બન્યો હતો. શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉપરાંત લદ્દાખના રાજ્યપાલ કવિન્દર ગુપ્તા, ગુજરાતના વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, ભાનુબેન બાબરીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન ભાઇ પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શભભના ચેરમેન જયભાઈ શાહ સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.