ગુજરાતના 10 હજારથી વધુ વકીલો કાલે આપશે ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા
વકીલાતની પ્રેક્ટિસ માટે ફરજિયાત એવી ઓલ ઈન્ડિયા બાર એકઝામ 30મી નવેમ્બરના રોજ દેશભરમાં યોજાનાર છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ લેવાશે. જેમાં ગુજરાતભરમાંથી આશરે 10 હજારથી વધુ વકીલ ઉમેદવારો આ પરીક્ષામાં બેસશે. અમદાવાદમાં છ જુદા જુદા મથકો પર પરીક્ષા લેવાશે. નોંધનીય છે કે, વકીલ થવા માટે આ પરીક્ષા ફરજિયાત છે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(BCI) દ્વારા દેશભરમાં આ 20મી વારની પરીક્ષા લેવાઈ રહી છે.
વર્ષ 2010 પછી જેણે પણ LLB પાસ કર્યું હોય તેણે વકીલાતની પ્રેક્ટિસ કરવી હોય તો તેવા વકીલ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઈપણ કોર્ટમાં વકીલાત કરી શકે છે. બે વર્ષમાં BCIની આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેક્ટિસ માટે કામચલાઉ સનદ(પ્રોવિઝનલ સનદ) આપવામાં આવે છે.
દેશભરમાં એકસાથે આ પરીક્ષા લેવાય છે અને નવ ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે. ઓલ ઈન્ડિયા બાર એક્ઝામમાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 45 માર્ક્સ જ્યારે SC, ST કેટેગરીના ઉમેદવારો માટે પાસીંગ માર્કસ 40 છે. આ પરીક્ષામાં ભારતીય નાગરિક સંહિતા, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ગ્રાહક સુરક્ષા ધારો, લેબર લો, આઈટી એક્ટ, ઈન્ડિયન એવિડન્સ એક્ટ સહિતના 20 વિષયો પર પ્રશ્ન પૂછાય છે.