રાજકોટના લોકમેળામાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયા
અંતિમ દિવસે અકડેઠઠ મેદની ઉમટી પડતા રેસકોર્ષ જામ થઇ ગયું, મોડી રાત્રે મેળો બંધ કરાવવામાં તંત્રને પરસેવો છૂટી ગયો
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની મોડી રાત્રે પૂર્ણાહુતિ થઇ હતી. શરૂઆતથી વિવાદમાં રહેલા લોકમેળામાં વરસાદની આગાહીના વિઘ્ન વચ્ચે પણ પાંચ દિવસમાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટી પડયા હતા.
ગઇકાલે સોમવારે લોકમેળાના અંતિમ દિવસે હૈયે હૈયુ દળાય તેટલી જનમેદની ઉમટી પડતા રેસકોર્ષને જોડતા તમામ રસ્તાઓ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. મોડીરાત્રે લોકમેળામાંથી લોકોને બહાર કાઢવામાં પોલીસને પરસેવો છૂટી ગયો હતો. રાત્રે 12 વાગ્યા બાદ પણ સહેલાણીઓ બહાર નહીં નીકળતા તંત્રએ રાઇડસો બંધ કરાવી મેદાનમાંથી લોકોને બહાર કાઢયા હતા. જો કે , લોકમેળો એક દિવસ લંબાવવામાં આવશે તેવી લોકોને અપેક્ષા હતી પરંતુ વરસાદનુ વિઘ્ન નડયુ ન હોવાથી લોકમેળો લંબાવાયો નથી.