મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનશે OBC, બીજી ટર્મ મહિલા માટે અનામત
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નવી મહાનગરપાલિકાના મેયર પદ માટે રોટેશન જાહેર કરાયું છે. આ રોટેશન મુજબ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર ઓબીસી સમાજના અને બીજી ટર્મ મહિલા માટે અનામત જાહેર કરવામાં આવી છે.
પ્રથમ મેયર ઓબીસી સમાજના બનવાના હોવાનું સ્પષ્ટ થતા અન્ય સમાજોના જે લોબિંગ કરીને મેયર માટે પોતાને પ્રબળ દાવેદાર માનતા હતા એવા ખેરખાઓના મેટર બનવાના હાલ તો પાંચ વર્ષ માટે ઓરતા અધૂરા રહી ગયા છે. આ રોટેશન જાહેર થતા હવે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની સાંભવના વ્યક્ત કરાઈ રહી છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા 1લી જાન્યુઆરીના રોજ મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ શહેરની નવી વોર્ડ રચના અને નવું સીમાંકન અમલી બનાવી તમામ વોર્ડ માટે રોટેશન મુજબ અનામત બેઠકો જાહેર કરી દેવામાં આવ્યા પછી હવે શહેરી વિકાસ વિભાગે નિયમોનુસાર મેયર પદ માટેનું રોટેશન જાહેર કર્યું છે. રોટેશન મુજબ મોરબી મહાનગર પાલિકાના મેયર માટે પ્રથમ અઢી વર્ષ પછાતવર્ગ એટલે કે, ઓબીસી અનામતને ફાળે તેમજ પછીના અઢી વર્ષ મહિલા માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી સહિતની મહાનગર પાલિકાઓમાં મેયર પદ માટેના રોટેશન જાહેર કરી તમામ મહાનગર પાલિકા વિસ્તારમાંથી નવા મેયર પદ માટેના રોટેશન અંગે જો કોઈને વાંધા સૂચન કરવા હોય તો સમયમર્યાદામાં વાંધાસૂચન રજૂ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બીજી તરફ સરકારની તૈયારીઓ જોતા ટૂંક સમયમા જ મોરબી સહિત તમામ નવી મહાનગર પાલિકાઓ અને જૂની જે જે મહાનગર પાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે તે તમામ કોર્પોરેશનની ચૂંટણી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.