મોરબી મહાનગર પાલિકા; નામ બડે દર્શન ખોટે, સિટી બસ પણ નથી
જાન્યુઆરી 2025મા મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરીજનોને સીટી બસ, ગટર, રોડ- રસ્તા, સફાઈ, નવા ફરવાલાયક સ્થળો સહિતની સુવિધા મળવાની આશા હતી. જો કે, આ 11 માસના સમયગાળામાં શહેરને કોર્પોરેશનના સત્તાધીશો સીટી બસ સેવા અપાવી શક્યા નથી.
ઊલટું નગર પાલિકા સમયે આઠ રૂૂટ પર સીટી બસ સેવા કાર્યરત હતી તે સેવા પણ બંધ થઈ છે અને હાલમાં એક માત્ર લજાઈથી મોરબી રૂૂટ ઉપર બે બસ સામસામી ચાલી રહી છે અને અન્યત્ર વિસ્તારમાં લોકો ના છૂટકે મોંઘા રીક્ષા ભાડા ચૂકવવા મજબુર બન્યા હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેરમાં સીટી બસ સેવા અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને સીટી બસ સેવા આપવા માટે કોર્પોરેશન પ્રતિબદ્ધ છે. અગાઉ બે વખત ટેન્ડર કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ પાર્ટી સીટી બસ સેવા સંચાલન માટે આગળ ન આવતા હવે ત્રીજા પ્રયત્નરૂૂપે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં છૂટછાટ આપી લોકોને વહેલી તકે સીટી બસ સેવાનો લાભ મળે તે માટે પ્રયત્ન શરૂૂ કરવામાં આવ્યા છે.
મોરબી શહેરમાં વર્ષ 2013મા 4 બસ સાથે સીટી બસ સેવા શરૂૂ કરવામાં આવી હતી. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે 2015મા 3 સળગી જતા એક જ બસ બચી હતી. ત્યારબાદ નવી 3 ડીઝલ બસ દોડાવવામાં આવતી હતી બાદમાં વર્ષ 2021માં ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવતા 8 બસ સાથે સીટી બસ સેવા શરૂૂ થઈ હતી.જે પણ ડિસેમ્બર 2024થી બંધ થઈ હતી.