મોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયા
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવી ગયેલ છે અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધેલ હતી અને ત્યારે જુદાજુદા વિસ્તારમાં 10 જેટલા વેપારીઓની દુકાનોની પાસે કચરો હોવાથી તેને દંડ કર્યો હતો.
મોરબીના કમિશ્નર સ્વપ્નિલ ખરે પહેલા જ દિવસે ડેપ્યુટી કમિશનરને સાથે રાખીને શહેરના સુરજબાગ, મહેન્દ્રપરા મેઈન રોડ, રેલવે સ્ટેશન રોડ, સરદાર બાગ, વાવડી રોડ સહિતનાં વિસ્તારમાં ગયા હતા અને ત્યારની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઑ સાથે સમિક્ષા બેઠક કરી હતી. તેમજ શહેરમાં સારી રીતે સફાઈ જળવાઈ રહે તેના માટે સફાઈ કામદારો સાથે વાતચીત કરી છે અને સફાઈ કામદારોની કામગીરી સંતોષકારક હોવાનું તેમણે જણાવ્યુ હતું. અત્રે ઉલેખનીય છેકે, આજે પહેલા દિવસના રાઉન્ડ દરમ્યાન મોરબીના વાવડી રોડે 10 જેટલી દુકાન બહાર કચરો પડ્યો હતો જેથી કરીને તે વેપારીઓને મહાપાલિકાએ દંડ કર્યો હતો.