મોરબી આર્થિક સંકટમાં: 150 સિરામિક એકમમાં તાળા લાગ્યા
જન્માષ્ટમીના તહેવાર પર જ યુનિટો બંધ થતાં શ્રમિકો સહિત ઉદ્યોગપતિઓની પણ હાલત કફોડી
અન્ય રાજ્યના મજૂરો વતન ભણી: ગેસ, ભાવવધારો અને સતત પડતા દરોડાથી કારખાનેદારો કંટાળ્યા
મોરબીમાં સૌપ્રથમ સિરામિકનાં જે કારખાનાં કાર્યરત કરવામાં આવ્યાં હતાં. ત્યારે વર્ષ 1992માં માત્ર 600 જેટલાં વોલ ટાઇલ્સનાં બોક્સનું ઉત્પાદન એક દિવસમાં એક કારખાનામાં થતું હતું. ત્યારે સિરામિક ઉત્પાદકોને તેમની પ્રોડક્ટ પર સરેરાશ 10 ટકા કરતાં વધુનો નફો મળતો હતો, પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે સિરામિકની માગ વધવા લાગી હતી અને 1995માં દૈનિક 2000 જેટલા સિરામિક ટાઇલ્સના બોક્સનું ઉત્પાદન થવા લાગ્યું હતું. ત્યાર પછી સિરામિક ઉદ્યોગની ગાડી જાણે કે ટોપ ગિયરમાં હોય એ રીતે એક કારખાનામાં દૈનિક 6 હજાર, 8 હજાર કે 10 હજાર જેટલાં સિરામિકનાં બોક્સ તૈયાર થવા લાગ્યાં હતાં અને જો આજની તારીખે વાત કરીએ તો નવી ટેક્નોલોજીવાળાં સિરામિક કારખાનાંમાં દૈનિક 35,000 વોલ ટાઇલ્સના બોક્સ બને છે. મોરબીમાં આશરે 1000 સિરામિક ટાઇલ્સ ઉત્પાદન એકમો છે અને યુએસ, સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાક, ઇઝરાયલ, તાઇવાન અને યુરોપિયન દેશો સહિત 180 દેશોમાં કરોડોની નિકાસ કરે છે.
કારખાનાં બંધ થવાનું વિશેષ કારણ વિશે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશ બોપલિયાએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીમાં જે બદલાવ આવે છે એના કારણે જૂનાં કારખાનાં છે એની મશીનરી જૂની થઈ ગઈ છે. સામે જે નવા પ્લાન્ટ આવતા હોય એમાં નવી મશીનરી હોય છે. એટલે બંનેમાં પડતર કોસ્ટનો ફરક જોવા મળે છે. જૂના યુનિટમાં પડતર ઊંચી આવે છે. આ ઉપરાંત રો-મટીરિયલની કોસ્ટ વધી છે, ગેસની કિંમતમાં વધારો થયો છે, પડતર કોસ્ટ ઊંચી આવી છે. એના હિસાબે જે નાના અને જૂના યુનિટો છે એ માર્કેટમાં ટકી શકતા નથી. એના હિસાબે એ યુનિટો બંધ કરવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. જ્યારે સિરામિક ઉદ્યોગનો ગ્રોથ અટકવા વિશે જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષની વાત કરીએ તો એક્સોપોર્ટ અને ડોમેસ્ટિકમાં સારોએવો ગ્રોથ હતો, નિકાસ વધી હતી અને ડોમેસ્ટિકમાં ડિમાન્ડ પણ વધી હતી, પરંતુ છેલ્લાં બે વર્ષથી ડોમેસ્ટિકમાં જેવોતેવો નફો નથી રહ્યો. જ્યારે નિકાસમાં વધારો થયો હતો, પરંતુ એની સામે એન્ટી ડમ્પિંગના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રશ્નો આવે છે તેના હિસાબે અત્યારે એક્સપોર્ટમાં જોઇએ એવો ગ્રોથ જોવા મળતો નથી.
હાલમાં ગુજરાત સરકારની ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસનો સપ્લાય કરવામાં આવે છે અને વર્ષ 2006થી એની મોનોપોલી હોવાને કારણે અન્ય કોઈ કંપની મોરબીમાં પાઇપલાઇન નેટવર્ક મારફત ગેસ સપ્લાય કરી શકતી નથી, જેથી મોરબીના ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અગાઉ મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરીને મોરબીમાં નેચરલ ગેસ સપ્લાય કરવા માટે થઈને ઓપન સ્પેસ એટલે કે કોઈપણ કંપની મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પાઇપલાઇન મારફત નેચરલ ગેસ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. જોકે એને હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. હાલમાં કેન્દ્ર અને ગુજરાત બંનેમાં ભાજપની સરકાર છે તેમ છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય લેવામાં આવતો નથી અને ગેસના સપ્લાય માટે ઓપન સ્પેસ આપવામાં આવતી નથી.