મુસીબતમાં ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે: અમિત શાહ
19 વર્ષ જેટલા લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોરબી આવ્યા હતા. તેઓના હસ્તે ભાજપ કાર્યાલય મોરબીનું ઉદઘાટન થયુ હતું. આ વેળાએ તેઓએ મોરબીની ખુમારી અને મહેનતને બિરદાવીને કહ્યું હતું કે મોરબી પંથક તો લડાયકોનો પંથક છે. કમલમ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ખૂબ લાંબા સમય બાદ મોરબી આવ્યો છું. મોરબી પંથક લડાયકોનો પંથક છે. ગમે તેવી મુસીબત આવે માનવીય ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે. હું નાનો હતો ત્યારે મોરબીમાં મચ્છુ નદીમાં જળ પ્રલય થયો હતો જેમાં આખું મોરબી તબાહ થઈ ગયું હતું.
જો કોઈ બીજું શહેર હોત તો તે શહેરને ઉભા થવામાં લાંબો સમય લાગી જાત પરંતુ આજે કોઈ મોરબી જુએ તો લાગે કે જળ પ્રલયનું અહીં કોઈ નામોનિશાન પણ નથી.મોરબીમાં સિરામિક ઉદ્યોગની શરૂૂઆત થઈ ત્યારે સિરામિક ઉદ્યોગ માટે જરૂૂરી ચીજવસ્તુઓ જોઈએ તેમાંનું કશુ પણ મોરબીમાં ન હતું. પરંતુ મોરબીના પાટીદાર સમાજે નક્કી કર્યું કે સિરામિક ઉદ્યોગ નાખવો તો વતનમાં જ નાખવો. આજે સિરામિક ઉદ્યોગ માટે સૌથી અનુકુળ જગ્યા મોરબી બની ગયું છે. વિશ્વભરની સિરામિક ઈન્ડસ્ટ્રીને પાણી પીતા ક2વાનું કામ મોરબીના ભાયડાઓએ કર્યું છે. સિરામિક હોય કે પછી ઘડિયાળ દરેક ક્ષેત્રમાં મોરબીએ વિશ્વભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું છે.આપણા સૌના માટે ભાજપનું કાર્યાલય એ આપણું બીજું ઘર છે. કાર્યાલય કેવું હોવું જોઈએ એનું મોડેલ કોઈને બતાવવું હોય તો હું અત્યાર સુધી તેલંગણા મોકલતો હતો પરંતુ હવે મોરબી મોકલીશ. મોડેલ કાર્યાલય કેવું હોવું જોઈએ એ જોવું હોય તો મોરબીનું કમલમ કાર્યાલય જોવું જોઈએ.
કાર્યાલય બનાવવા માટે જે કોઈએ મહેનત કરી છે તે તમામ કાર્યકરોને વંદન કરું છું. આ કાર્યાલયમાં કોન્ફરન્સ રૂૂમ, અધ્યક્ષનો રૂૂમ, મહાસચિવનું કાર્યાલય, મહિલા મોરચા અને મોરચાઓની ચેમ્બર, આઈટીની ચેમ્બર, ઓડિટોરિયમ, ભોજનની વ્યવસ્થા, કોલ સેન્ટર અને સૌથી અગત્યનું કામ લાઈબ્રેરી બનાવવાનું કામ આ કાર્યાલયમાં થયું છે. આપણી પાર્ટી ચાલવાનો આધાર નેતા નહીં પણ આપણું સંગઠન અને સિદ્ધાંતો છે.મોરબીનું કમલમ કાર્યાલય તમામ સુવિધાથી યુક્ત, આધુનિક અને પરંપરાઓની જાળવણી કરવા વાળું કાર્યાલય બન્યું છે તે બદલ સૌ કાર્યકરોને હું અભિનંદન પાઠવું છું. આ કાર્યાલય ભાજપના પ્રચાર-પ્રસારનું એક મોટું કેન્દ્ર બનશે.
જે લોકો ભાજપ અને એનડીએના વળતા પાણીની વાત કરતાં હતા તેમણે બિહારની જનતાએ જવાબ આપ્યો છે અને બહુમતીથી સરકાર બની છે. જે લોકો વળતા પાણીની વાત કરતાં હતા તેઓ કાન ખોલીને સાંભળી લે કે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ અને એનડીએની સરકાર બનવાની છે. બિહારમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા હતા. મતબેંકની લાલચમાં ઘુસપેઠિયાઓના સમર્થનમાં રેલી કાઢી. પરંતુ જનતાએ ઘુસપેઠિયા મુક્ત બિહાર માટે ભાજપ અને એનડીએને મત આપ્યા. ભાજપ સરકારનો સંકલ્પ છે કે દેશભરમાંથી ઘુસપેઠિયાઓને વીણી વીણીનો બહાર કાઢવામાં આવશે.
હું એક ભવિષ્યવાણી કરું છું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે તેવી ન થાય ત્યાં સુધી આપણે પગવાળીને બેસવાનું નથી.મોરબી જીલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસદ પરષોતમભાઈ રૂૂપાલા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ શિહોરા, પુનમબેન માડમ, મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સભા સ્થળે આપની નારેબાજી, કાર્યકરોની અટકાયત
મોરબીના શનાળા બાયપાસ પાસે નિર્મિત કમલમનું ગઈકાલે બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન પહેલા વિવિધ પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયા સહિતના આગેવાનો અમિત શાહને આવેદન આપવા જતા હતા. જો કે પોલીસે તેમને ત્યાં જતા રોકીને અટકાયત કરી લીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનોએ માંગ કરી છે કે જે રીતે સુવિધા સભર કમલમ બનાવવામાં આવ્યું છે. તેવી રીતે મોરબીમાં હોસ્પિટલ, કોલેજ અને રોડ રસ્તા બનાવવામાં આવે. ઉપરાંત આવેદનમાં મોરબીના પ્રાણ પ્રશ્નો જેવા કે સિરામિક પર જીએસટીમાં ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, મોરબી જિલ્લાની ત્રણેય બ્રાંચ કેનાલના ધોરિયાના વર્ષો જુના કામ પડતર છે તે પૂર્ણ કરવામાં આવે, રોડ-રસ્તા, સફાઈ, ભુગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે, ઐતિહાસિક ધરોહરની સારસંભાળ રાખવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે.