મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની પાસપોર્ટ પરત મેળવવાની અરજી રદ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમણે કાયમી ધોરણે પાસપોર્ટ પરત મેળવવા માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરેલી અરજી કોર્ટે રદ કરી છે.
જયસુખ પટેલ દ્વારા જામીનની શરતોમાં રહેલો પોતાનો પાસપોર્ટ કાયમી ધોરણે પરત મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી પર મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી. વી. શ્રીવાસ્તવ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે આ દલીલોને અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અરજી રદ કરવાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતા જોતાં અરજી મંજૂર ન કરી શકાય, કારણ કે પાસપોર્ટ પરત આપવામાં આવે તો આરોપી ટ્રાયલ ટાળવા માટે વિદેશમાં સ્થાયી થઈ શકે છે.નોંધનીય છે કે 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 જેટલા નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ મામલે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા જયસુખ પટેલ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગના આરોપીઓ હાલમાં શરતી જામીન પર મુક્ત છે.