ફાર્મસી કાઉન્સિલના ચેરમેનપદેથી અંતે મોન્ટુ પટેલની હકાલપટ્ટી
વા.ચેરમેન જશુ ચૌધરી ચાર્જમાં, ત્રણ માસમાં નવા ચેરમેનની નિમણૂક કરવા સૂચના
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન ડો.મોન્ટુકુમાર એમ. પટેલને તાકીદે કાઉન્સિલમાંથી દૂર કરીને આગળની કાર્યવાહી કરવા માટે ભારત સરકાર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જે આગામી ત્રણ માસમાં નવેસરથી પ્રક્રિયા કરીને નવા ચેરમેનની નિયુક્તિ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ પર અનેક પ્રકારની ગેરરીતિઓની ફરિયાદ બાદ થોડા સમય પહેલા CBIએ રેડ કરી હતી. આ તપાસમાં કોલેજોને રૂૂપિયા લઈને મંજૂરી આપવા સહિતની અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવી હતી. મોન્ટુ પટેલ ગુજરાતમાં દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાંથી એક સભ્ય તરીકે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં સ્થાન મેળવ્યા બાદ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેનપદ સુધી પહોંચ્યો હતો. તાજેતરમાં દીવ-દમણ-દાદરાનગર હવેલીના ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્ય તરીકે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આમ, હવે તે દીવ-દાદરા અને નગર હવેલીમાંથી જ સભ્ય ન હોવાથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં પણ તે સભ્ય ન હોવાથી આપોઆપ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાંથી પણ દૂર કરવા જોઈએ તેવી તાકીદ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને એવી તાકીદ કરવામાં આવી છે કે, તાકીદે મોન્ટુ પટેલને દૂર કરીને આગામી ત્રણ માસમાં તેના સ્થાને નવે ચેરમેનની નિયુક્તિ કરવાની કામગીરી શરૂૂ કરવાની રહેશે. જ્યાં સુધી કાયમી ચેરમેનની પસંદગી ન થાય ત્યાં સુધી વાઈસ ચેરમેન જશુભાઈ ચૌધરી તમામ કામગીરી કરશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.