કારતકમાં ચોમાસું: ઓકટોબરમાં વરસાદનો દશકાનો રેકોર્ડ
રાજ્યમાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા છ દિવસમાં જ અઢી ઇંચ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
ગઇકાલે મહુવામાં 3.5, તળાજામાં 3, પાલિતાણામાં 2 ઇંચ કમોસમી વરસાદ
ગુજરાતમાં આ વર્ષે દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. ઓક્ટોબર મહિનો ખેડૂતો માટે આકરો સાબિત થયો છે. કારણ કે, છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામા સૌથી વધુ સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ ખાબકતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે.
હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 6 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છ દિવસમાં રાજ્યમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા છ દિવસ દરમિયાન સૌથી વધુ જે તાલુકાઓમાં વરસાદ વરસ્યો તેની વિગત નીચે મુજબ છે.
રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલી કમોસમી વરસાદી આફતના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે.ખેતરોમાં તૈયાર થયેલા પાકની કાપણી થવાનો સમય હતો ત્યારે જ વરસેલા વરસાદે ખેડૂતોની ચાર મહિનાની મેહનત પર પાણી ફેરવી દીધું છે. રાજ્ય સરકાર દ્વારા ખેતી પાકને થયેલી નુકસાનોનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ સરકાર વળતરની જાહેરાત કરશે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં સતત વરસાદ પડ્યો હતો. જિલ્લામાં મહુવામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ પાલીતાણામાં પોણા બે અને સિહોરમાં દોઢ ઇંચ, ઘોઘામાં એક, ભાવનગર શહેરમાં પોણો ઇંચ અને જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
કમોસમી વરસાદે ભાવનગર જિલ્લામાં ખેડૂતોની હાલત ખરાબ કરી છે. સમગ્ર જિલ્લામા વરસાદ પડ્યો હતો. હજુ પણ વરસાદની આગાહી હોય ખેડૂતો અને લોકો પરેશાન થઈ રહ્યા છે.