આખરે ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, દિવાળીમાં નડતરરૂપ નહીં બને
અરબ સાગરમાં સર્જાયેલા પશક્તિથ વાવાઝોડાની અસરના ભાગરૂૂપે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.જેના પરિણામે ખાસ કરીને દરિયા કાંઠાના જિલ્લાઓમાં વરસાદ પણ પડ્યો હતો. જો કે શક્તિ વાવાઝોડું વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને દરિયામાં જ સમાઈ જતાં સંભવિત ખતરો ટળી ગયો છે. જે બાદ છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
જેમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે જેમ-જેમ દિવસ વીતે તેમ-તેમ ગરમી પણ વધવા લાગે છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું. જેના પરિણામે છેક દશેરા સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદ વરસ્યો છે. પાછોતરા વરસાદના કારણે ઘણી જગ્યાએ ખરીફ પાકમાં નુકસાની પણ આવી છે.
છેલ્લા એકાદ-બે દિવસમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા છે. આ સાથે જ ગુજરાતમાંથી 2025નું ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તાપમાન ફરીથી ઉચકાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાનો વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.
હાલમાં જ ચોમાસાએ વિદાય લીધી છે અને ઊંચુ તાપમાન હોય, ત્યારે કેટલાક ભાગોમાં ભેજવાળા પવનોના કારણે સામાન્ય ઝાપટું પડી શકે છે.