મોદીએ કહ્યું તે કરી બતાવ્યું: કોંગ્રેસ નેતા સોલંકીની પુષ્પવર્ષા
કોંગ્રેસને લાંબા સમય સુધી ઉંચે આવવા નહીં દેવાની મોદીની વાત યાદ કરાવી કહ્યું... આ દૃઢતા અને કાર્યસિધ્ધિ રાજકીય નેતૃત્વની ખાસિયત છે!
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જાહેર મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કામગીરીની પ્રશંસા કરતા ચકચાર જાગી છે.
પરિવાર સંગમ કાર્યક્રમમાં સોલંકીના આ વાક્યો અચાનક રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયા.સામાન્ય રીતે ભાજપની નીતિ અને નેતૃત્વ પર ટીકા કરતા જોવા મળતા સોલંકીનો આ બદલાતો અવાજ અનેક પ્રશ્નો ઉભા કરે છે. સમારંભમાં હાજર શ્રોતાઓએ તાળીઓથી પ્રતિસાદ આપ્યો, પરંતુ કોંગ્રેસ વર્ગમાં તરંગો ઊભા થયા છે.
કાર્યક્રમ દરમિયાન સોલંકીએ મોદીના મુખ્યમંત્રી સમયની એક ચર્ચિત વાત યાદ કરાવી, જેમાં મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને રાજ્યમાં લાંબા સમય સુધી ઉંચે આવવા દેવામાં આવશે નહીેં અને ત્યારબાદ તેમણે તે જ સાબિત કર્યું. સોલંકીએ આ દૃઢતા અને કાર્યસિદ્ધિને રાજકીય નેતૃત્વની ખાસિયત ગણાવવામાં આવી. એ જ રીતે અમિત શાહના 15 વર્ષ કેન્દ્રમાં ભાજપની સરકાર સંબંધિત નિવેદનને પણ સાચું ઉતાર્યું હોવાનું કહ્યું. આ વક્તવ્ય હોલમાં હાજર શ્રોતાઓ માટે ઉત્સાહજનક બન્યું, પરંતુ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં અસ્વસ્થતા વધારી. સોલંકીએ પોતાના નિવેદનોમાં રાજકારણને માત્ર બુદ્ધિ અને વ્યૂહરચનાનો ખેલ ગણાવ્યો. આ સાથે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કોંગ્રેસ કેટલો સમય વધુ રાહ જોશે તે અંગે વિચાર કરવો જોઈએ. મોદીના સમયમાં મળેલી સતત જીતને તેમણે સુયોજિત આયોજનનું પરિણામ ગણાવ્યું અને સ્વીકાર્યું કે સક્ષમ નેતૃત્વ રાજકારણની દિશા બદલી શકે છે. તેમની વાતોમાં એક તરફ પ્રશંસા અને બીજી તરફ પોતાના પક્ષ પ્રત્યેની નિરાશા ઝળકતી દેખાઈ. ભરતસિંહ સોલંકી 1980થી રાજકારણમાં સક્રિય અને 2004-2019 સુધી આણંદથી સાંસદ રહ્યા.
લાંબા સમય સુધી ભાજપ વિરુદ્ધ મોરચા પર રહેલા નેતા હવે ભાજપ નેતાઓની કામગીરીને ઉદાહરણ રૂૂપ માનતા જણાયા. તેમનો મત એવો હતો કે ઈચ્છા અને વ્યૂહબળથી દરેક મુશ્કેલ લક્ષ્ય હાંસલ થઈ શકે છે. સોલંકી દ્વારા અપાયેલી સરખામણીનો હેતુ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાવવાનો હતો, એમ તેમના નજીકના વર્તુળનું માનવું છે. તાજેતરમાં કોંગ્રેસમાં સંગઠન પરિવર્તન સાથે સોલંકીને પ્રભારી પદેથી હટાવવામાં આવ્યા બાદ હવે આ વાક્યો વધુ ચર્ચાસ્પદ બની રહ્યા છે. હવે ધ્યાન સૌનું એ તરફ છે કે કોંગ્રેસ ઉચ્ચ કમાન્ડ તેનો જવાબ કેવી રીતે આપે છે અને આગામી દિવસોમાં શું રાજકીય ફેરફાર જોવા મળશે.