For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોઢવાડિયાના જવાથી કોંગ્રેસની ચૂંટણી તકોને અસર નહીં પડે પણ કાર્યકરો જરૂર હતાશ થશે

12:25 PM Mar 06, 2024 IST | admin
મોઢવાડિયાના જવાથી કોંગ્રેસની ચૂંટણી તકોને અસર નહીં પડે પણ કાર્યકરો જરૂર હતાશ થશે

ગુજરાતમાં કોંગ્રેસમાંથી જે રીતે ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે એ જોતાં લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભામાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં આવી જાય એટલે કે તેના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 10ની અંદર આવી જાય એવી પુરી શક્યતા છે. ગુજરાતમાં 2022ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતીને તેના ઈતિહાસનો સૌથી શરમજનક દેખાવ કરેલો. એ પછીના સવા વરસમાં ગુજરાત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ગણીને 14 જ રહી ગયેલી ત્યાં સોમવારે સાંજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતાં હવે કોંગ્રેસ પાસે 13 ધારાસભ્યો જ રહી ગયા છે.

Advertisement

આમ તો લોકસભા ચૂંટણી નજીક આવતાં ગુજરાત કોંગ્રેસમાં ફરી રાજીનામાનો દોર શરૂૂ થયો છે ને નાના-નાના નેતા રામ-રામ કરીને કોંગ્રેસ છોડી રહ્યા છે પણ સોમવાર કોંગ્રેસ માટે ભારે રહ્યો. સોમવારે એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ નેતાઓનાં રાજીનામાં પડ્યાં. પહેલાં બપોરે રાજુલાના ભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપ્યું. એ પછી બપોરે નવસારી કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામાં આપી દીધું. કોંગ્રેસ આ બે આંચકા પચાવે એ પહેલાં સાંજે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા. મોઢવાડિયા અને અંબરીશ ડેર આમ તો ક્યારનાય રાજીનામાં ધરી દેવા થનગનતા જ હતા. જાન્યુઆરીમાં કોંગ્રેસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા હાજરીને આમંત્રણને નકાર્યું ત્યારે જ બંનેએ નિર્ણય સામે અવાજ ઉઠાવીને સંકેત આપી દીધેલો કે, હવે કોંગ્રેસમાં રહેવાનો તેમનો મૂડ નથી. આ ઘટનાના લગભગ દોઢ મહિના પછી અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે કોંગ્રેસને કાયમ માટે રામ રામ કરી દીધા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં કોંગ્રેસનો ચહેરો ગણાતા હતા. નરેન્દ્ર મોદી સામે આક્રમક બનીને લડનારા નેતાઓમાં મોઢવાડિયા પણ એક હતા. એ માણસ આજે કોંગ્રેસ છોડીને જાય તેના કારણે એવો મેસેજ ગયો જ છે કે, ગુજરાતમાં હવે કોંગ્રેસનું અચ્યુતમ કેશવમ થઈ ગયું છે અને મોઢવાડિયા જેવા ચુસ્ત કોંગ્રેસીઓને પણ કોંગ્રેસની નેતાગીરીમાં ભરોસો રહ્યો નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement