જામનગરમાં આઇફોનની નકલી એસેસરીઝનું વેંચાણ થતા મોબાઇલ વિક્રેતાઓને ત્યાં દરોડા
જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં આજે આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલ ની ડુપ્લીકેટ એસેસરીઝ ના વેચાણ સંદર્ભમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા, જેને લઈને અને વિક્રેતાઓમાં દોડધામ થઈ હતી.
જામનગર શહેરમાં મોબાઇલ ફોનમાં વેચાણની અનેક દુકાનો ખૂલી ગઈ છે, અને તેમાંય ખાસ કરીને આઈફોન કે જેની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે આઈફોન ની મોબાઇલ કંપનીના પ્રતિનિધિઓની 15 જેટલી ટિમ જામનગર આવી પહોંચી હતી, અને સ્થાનિક પોલીસને સાથે રાખીને અનેક દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.
ખાસ કરીને જામનગરના ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં ઉપરાંત લીમડાલેન, દિગ્વિજય પ્લોટ, અંબર સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં દરોડાઓ પાડીને ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને આઈફોન મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝના સંદર્ભમાં સામુહિક રીતે ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને દેકારો મચી ગયો હતો. જોકે કોઈ દુકાનમાંથી ડુપ્લીકેટ માલ સામાન મળી આવ્યો હોય, તેવા કોઈ અહેવાલો હજુ સુધી પ્રાપ્ત થયા નથી.