રાજકોટમાંથી મોબાઇલની ચીલઝડપ કરતી બેલડી ઝબ્બે: 59 મોબાઇલ જપ્ત
શહેરના અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં મોબાઇલ પર વાતચીત કરતા મજુરોના મોબાઇલની ચિલઝડપ કરતી બેલડીને થોરાળા પોલીસના સ્ટાફે દબોચી લીધી છે. બેલડીની પૂછપચ્છમાં 59 ગુનાના ભેદ ઉકેલાયા હતા અને રૂા.4.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બનાવની વધુ વિગતો અનુસાર, થોરાળા વિસ્તારમાં શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચિલઝડપનો બનાવ બનતા પીઆઇ બી.એમ.ઝણકાટ, પીએસઆઇ એચ.ટી.જીજાબા, જપદિયસિંહ જાડેજા, સંજ્યભાઇ હેરભા અને રાકેશ બાલાસરા અને ટીમે બાત્તમીને આધારે બે શંકમંદ ગણાતા બે શખ્સોને પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા.
બાદમાં તેમને પોલીસ મથકે લઇ જવામાં આવતા પુછપચ્છ દરમિયાન વધુ 53 મોબાઇલ ચોરીની કબુલાત આપી હતી.ત્યારબાદ પોલીસે બંન્નેની પુછપચ્છમાં પોતાના નામ શાહનવાઝ અનવરભાઇ વરીયા (રહે.વાવડી ગામ, શિવધારા સોસાયટી, મુબ્તાર કુરેશીના મકાનમાં ભાડે) અને અમન ઉર્ફે બાયતી જાવીદ કૈપડા (રહે. ખોડીયારનગર શેરી 06, લક્કી ડેરી સામે એસ.ટી વર્કશોપ પાછળ ગોંડલ રોડ) હોવાનું જણાવ્યું હતું.
બંન્ને આરોપીઓ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શાપર-વેરાવળ જીઆઇડીસી વિસ્તાર, વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના નવથી અગિયાર વાગ્યાના અરસામાં બાઇકની નંબર પ્લેટ પર કાળા કલરની શેલો ટેપ મારી ગુરૂવાર,રવિવાર અને મંગળવારના દિવસે ડબલ સવારીમાં આવી કોઇ એકલો મજુર ચાલુ મોબાઇલે વાત કરતો જતો હોય તેનો મોબાઇલ ઝુંટવી લેતા હતાં.બેલડી પાસેથી રૂા.4.28 લાખના 58 મોબાઇલ તેમજ તેમની પાસેથી બાઇક સહિત રૂા.4.80 લાખનામોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં હતાં.