જિલ્લા ગાર્ડન ચોકમાં મોબાઇલના ધંધાર્થી અને તેના ભાઇ ઉપર સોડા બોટલના ઘા કરી હુમલો
શહેરમાં લુખ્ખા તત્વોની લુખાગીરીને ડામવા પોલીસ કમર કસી રહી છે. તેમ છતાં લુખ્ખાઓને પોલીસનો ડર ન હોય તેમ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં જિલ્લા ગાર્ડન ચોક નજીક મોડી રાત્રે મોબાઈલના ધંધાર્થી અને તેના ભાઈ ઉપર સોડા બોટલના છૂટા ઘા કરી, ધોકા વડે હુમલો કરાતાં વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં પેડક રોડ નજીક રણછોડનગર મેઇન રોડ પર રહેતા તોફીક રફીકભાઈ મહંતો 30 નામનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં જિલ્લા ગાર્ડન ચોક નજીક હતો ત્યારે ત્યાં ધસી આવેલા હુસેન અને અરબાઝ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી, સરાજાહેર સોડા બોટલના છૂટા ઘા કર્યા બાદ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં તોફીક અને તેના ભાઈ અકીબને ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અકીબને પ્રાથમિક સારવાર અપાઇ હતી જ્યારે તોફીકને દાખલ કરાયો હતો. છૂટા સોડા બોટલના સરાજાહેર ઘા કરાતાં વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલો તોફિક મહંતો પેડક રોડ પર ડિવાઇન મોબાઈલ નામે દુકાન ચલાવે છે અને ગઈકાલે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મિત્રના પિતાનું અવસાન થયું હોવાથી તે ત્યાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતો હતો ત્યારે જિલ્લા ગાર્ડન ચોકમાં તેના ભાઈ અકીલને હુમલા શખ્સો માર મારતા હતા ત્યારે તેને છોડાવવા વચ્ચે પડતા તેના પર પણ હુમલો કરી સોડા બોટલના ઘા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગ એ ડિવિઝન પોલીસે સરા જાહેર સોડા બોટલના ઘા કરી બંને ભાઈઓ ઉપર હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
--