વિધાનસભામાં ધારાસભ્યોને ઉંઘવાની અને સીસકારા બોલાવવાની મનાઇ!
વિધાનસભામાં હવે બજેટ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે ધારાસભ્યોને ગૃહમાં કેવા નિયમ પાળવા અને કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની જાણકારી દંડક દ્વારા આપવામાં આવી હતી. તેમાં સભાગૃહની અંદર લાકડી કે છત્રી નહીં લાવવાથી લઇને સભાગૃહમાં ધૂમ્રપાન નહીં કરવા અને મોબાઇલ ફોન નહીં લાવવા સહિતની સૂચનાઓનો સમાવેશ થાય છે. આ સૂચનાઓ ગૃહની બહાર ધારાસભ્યોમાં ચર્ચાનો વિષય બની હતી.
ધારાસભ્યોને સતત ગૃહમાં શિસ્તમાં રહેવાની ટકોર અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પણ કરાતી હોય છે. તેમ છતાં અનેક કિસ્સામાં ધારાસભ્યો મોબાઇલ ઉપર ગૃહમાં વાત કરતા હોય કે મોબાઇલથી ફોટા પાડતા હોય કે પછી અધ્યક્ષ બોલતા હોય તે સમયે પણ ગૃહમાં આમથી તેમ જતા હોય તેવું જોવા મળ્યું છે. જેને લઇને તેમણે ધારાસભ્યોને નિયમોનો સારાંશ આપવા મુખ્ય દંડકને તાકીદ કરી હતી. તે પ્રમાણે બે પાના ભરીને સૂચનાઓ ગૃહના પ્રારંભે જ આપવામાં આવી હતી. જેમાં પોતાની જગ્યા ઉપર બેસતી કે છોડીને જતી વખતે અધ્યક્ષને નમન કરવું, કોઇ પુસ્તક કે અખબાર વાંચવું નહીં, પાણી કે કોઇપણ પીણું લેવું નહીં કે પાન કે બીજી કોઇપણ ચીજ ચાવવી નહીં અને સભા ગૃહમાં ઉંઘવા નહીં માટે પણ ધારાસભ્યોને તાકીદ કરવામાં આવી છે.
તે ઉપરાંત અધ્યક્ષ કે મંત્રીઓને અગાઉથી જાણ કર્યા સિવાય તેમની સામે બદનક્ષીભર્યો કોઇ આરોપ મૂકવો નહીં, એકસાથે કાળા કપડા પહેરવા નહીં, કોઇપણ વસ્તુનું પ્રદર્શન નહીં કરવા પણ સૂચના આપી છે. સભાગૃહમાં ભાષણ ચાલતું હોય ત્યારે ખલેલ પહોંચાડવી નહીં, સીસકારા બોલાવવા નહીં અને વારંવાર ટીકા નહીં કરવા પણ જણાવાયું છે.