ફરજિયાત હેલ્મેટના કાયદાની ફેર વિચારણા કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની માંગણી
ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિયમ પર ફરી એકવાર વિવાદ શરૂૂ થયો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને હેલ્મેટ પહેરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને આ કાયદા પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી છે.
કુમાર કાનાણીએ જણાવ્યું કે હેલ્મેટ ફરજિયાત છે તે વાત સાચી છે, પરંતુ લોકો આ નિયમનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં આ વિરોધ પછી પોલીસે કાર્યવાહી હળવી કરી છે, અને હવે અન્ય શહેરોના ધારાસભ્યો પણ આ મુદ્દે સરકારને રજૂઆતો કરી રહ્યા છે.
તેઓ કહે છે કે આ સમસ્યા ફક્ત એક શહેર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે.
બીજી બાજુ, સુરત ટ્રાફિક પોલીસના ડીસીપીનો દાવો છે કે 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ફરજિયાત કર્યા પછી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ટ્રાફિક પોલીસે શહેરની 9 મોટી હોસ્પિટલોનો સર્વે કર્યો હતો, જેમાં માથામાં થતી ઈજાના કેસોમાં 22.73%નો ઘટાડો જોવા મળ્યો છે.પોલીસે જણાવ્યું કે આ સર્વેથી એ સાબિત થયું છે કે હેલ્મેટ પહેરવાથી જીવ બચાવવામાં મદદ મળી રહી છે. તેઓનો હેતુ સુરતીઓના જીવ બચાવવાનો છે, અને આ પ્રયાસમાં તેમને સફળતા મળી રહી છે. પોલીસ માને છે કે હજુ પણ આ આંકડામાં વધુ ઘટાડો થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે.