દુષ્કર્મ કાંડ; કેડિલાના રાજીવ મોદીની 5 કલાક પૂછપરછ કરી જવા દેવાયા
ગુજરાતભરના ઉદ્યોગપતિઓમાં ચર્ચાનો વિષય બનેલા બલ્ગેરિયન યુવતી પરના દુષ્કર્મ કેસમાં કેડિલાના સીએમડી રાજીવ મોદી ગુરુવારે સવારે વકીલ સાથે સોલા પોલીસ મથકે હાજર થયા હતા. લગભગ પાંચ કલાક સુધી સોલા પોલીસે તેમની સરભરા સાથે પૂછપરછ કરી હતી અને મોદીના બપોરે 1 વાગ્યે રવાના કરાયા હતા. પાંચ કલાકમાં તેમને 100 સવાલો પૂછાયા હતા અને તેમનું નિવેદન લેવાયું હતું.
પોલીસે તેમને જ્યારે જરૂૂર પડે ત્યારે પોલીસ સમક્ષ હાજર રહેવાની અને તપાસમાં સહકાર આપવાની શરતે જવા દીધા હોવાનું જાણી શકાયું છે. પોલીસ કમિશનરે બલ્ગેરિયન યુવતી પરના દુષ્કર્મ કેસની તપાસ માટે જેસીપી સેક્ટર-1 ચિરાગ કોરડિયાની આગેવાનીમાં જઈંઝની રચના કરી હતી. તપાસ દરમિયાન ચિરાગ કોરડિયા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં યુવતીની નિમણૂક કરનાર જ્હોન મેથ્યુનું નિવેદન લઇને તેને જવા દેવાયા હતા.
પોલીસની પૂછપરછમાં મોદીએ તેમના પર કરાયેલા આક્ષેપો નકાર્યા હતા તથા તે બલ્ગેરિયન યુવતીને અન્ય સ્ટાફની હાજરીમાં જ મળ્યા હોવાનું જણાવ્યું હતું. હવે તપાસ દરમિયાન સત્ય બહાર આવશે. ગુજરાતના જાણીતા ઉદ્યોગ ગૃહ કેડિલાના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બ્લગેરિયન યુવતીએ તેમના દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જે અંતર્ગત પહેલાં પોલીસે તેની વાત અવગણી હતી અને આખરે સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે યુવતીને સાથે રાખીને જ્યાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું તે સ્થળની તપાસ કરી હતી. આ ઉપરાંત પોલીસે રાજીવ મોદીને પણ તપાસના કામે નિવેદન આપવા માટે બે વખત સમન્સ પાઠવ્યું હતું. જોકે, રાજીવ મોદી બિઝનેસ માટે વિદેશ ગયા હોવાનું કારણ વકીલ દ્વારા રજૂ કરાયું હતું. બીજી તરફ પોતાની જાનને જોખમ હોવાની પોતાના વકીલ સમક્ષ રજૂઆત કર્યા બાદ યુવતી 24મી જાન્યુઆરીએ ગુમ થઇ ગઇ હતી. પોલીસે તપાસ કરાવતાં યુવતી મુંબઇ એરપોર્ટથી બલ્ગેરિયા જવા રવાના થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું.
રાજીવ મોદી પર ગંભીર આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી ગત 24મી જાન્યુઆરીથી પોતાના દેશ જતી રહી હોવાની વાત પોલીસને જાણવા મળી છે. જ્યારે યુવતીએ અગાઉ વીડિયો જાહેર કરીને તે ભારતમાં હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.એટલું જ નહીં, યુવતીના વકીલે પણ યુવતી ભારતમાં હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આમ, યુવતી ગુજરાતમાં, ભારતમાં છે કે વિદેશમાં તેને લઇને પણ પોલીસ મૂંઝવણમાં મૂકાઇ હતી.