લાઠીના ઇંગોરાળામાં પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સગીરાનો આપઘાત
લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે રહેતી એક સગીરાને દામનગરના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ યુવક પરિણિત હોવાની જાણ થતા સગીરાએ ગળાફાંસો ખાઇ લીધો હોય તેને મરી જવા મજબુર કરવા સબબ યુવક સામે સગીરાના પિતાએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
ઇંગોરાળામા રહેતા ગોબરભાઇ કાળુભાઇ જોગરાણા નામના આધેડે લાઠી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તારીખ 17ના રોજ મજુરી કામેથી ઘરે આવી રહ્યાં હતા ત્યારે તેની દીકરી રાધિકાએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ થઇ હતી. બાદમા પાડોશીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ત્યાં આવી ગઇ હતી અને સગીરાને તપાસી મૃત જાહેર કરી હતી. સગીરાની લાશને પીએમ માટે લાઠી દવાખાને ખસેડાઇ હતી.
બાદમા રૂૂમમાથી કટલેરીના બોકસમાથી એક કાગળ મળેલ જેમા સગીરાએ આપઘાત પહેલા લખેલ હતુ કે તેને દામનગરના કરણ નામના વ્યકિત સાથે પ્રેમસંબંધ હોય પરંતુ તેના કુટુંબીને ગમતી વાત ન હોય અને સગીરા તેની વગર રહી શકે તેમ ન હોય તેમજ કરણ પરિણિત હોવા છતા તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો હોવાની જાણ થતા તેણે આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવક સામે સગીરાને મરી જવા મજબુર કરવા સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી.એલ.ખેર ચલાવી રહ્યાં છે.