મૂંગા મોઢે રાજીનામું આપનાર મંત્રીઓને ધારાસભ્યપદેથી પણ કાઢો: ગોપાલ
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે ભાજપને ટોણો મારતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ગુજરાતમાં મુખ્યમંત્રીને બાદ કરતાં તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે અને નવા મંત્રીઓ શપથ લેવાના છે. ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને 2027માં આવનારી રાજ્યની વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂૂપે હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે ભાજપને ટોણો મારતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, તમે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લીધા છે. મંત્રીમંડળના તમામ મંત્રીઓના એકસાથે રાજીનામાં લેવાનો સીધો અર્થ થયો કે, તમામ મંત્રીઓ પોતાના કામમાં સદંતર નિષ્ફળ ગયા છે.આટલું જ નહીં, રાજીનામાં આપનાર તમામ મંત્રીઓએ પણ કોઈ પણ પ્રકારની દલીલ વિના ચૂપચાપ રાજીનામાં આપી દીધા, તેનો એવો અર્થ થયો કે, તેઓ પણ પોતાની નિષ્ફળ કામગીરી સાથે સહમત છે. જે વ્યક્તિઓ સરકારના મંત્રી તરીકે નિષ્ફળ રહ્યા હોય, તેઓ ધારાસભ્ય તરીકે જનતાનું શું કામ કરી શકશે.
મંત્રી તરીકેની વિશાળ સત્તા હોવા છતાં, પણ જે વ્યક્તિઓ સરકારને ખુદને સંતોષ થાય એવું કામ કરી શક્યા નથી અને મૂંગામોઢે રાજીનામા આપવા પડ્યા છે. આવા વ્યક્તિઓને ધારાસભ્ય તરીકે જનતાને શું ઉપયોગી બની શકશે? આવા નિષ્ફળ વ્યક્તિઓને જનતાની ઉપર ધારાસભ્ય તરીકે થોપી બેસાડવા જોઈએ નહિ.
આપ ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે કે, મૂંગામોઢે રાજીનામું આપનાર તમામ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી પણ દૂર કરવામાં આવે અને તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું લેવામાં આવે.