ખોડલધામમાં રવિવારે લેઉવા પટેલ સમાજના પ્રધાનોનું થશે સન્માન
મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલને પણ ફુલડે વધાવાશે
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી તારીખ 7 ડિસેમ્બર ને રવિવારના રોજ ખોડલધામ મંદિર કાગવડ મુકામે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
7 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 8-30 કલાકે સન્માન સમારોહનો પ્રારંભ થશે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશભાઈ વિશ્વકર્મા અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનશેરીયા, કૌશિકભાઈ વેકરીયા અને કમલેશભાઈ પટેલને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય, શહેર, વોર્ડ, સોસાયટીના ક્ધવીનરઓ અને તેમની ટીમ, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની વિવિધ સમિતિઓ, રાજકીય, સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, સોશિયલ ગ્રુપના સભ્યો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ સન્માન સમારોહમાં પધારવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.