મુખ્યમંત્રી-અધ્યક્ષ સહિત પ્રધાનોએ ઉતારી મા અંબાની આરતી
- અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયું આખુ પ્રધાનમંડળ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12થી 16 મી ફેબ્રુઆરી દરમિયાન પશ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથનું ભવ્ય આયોજન કરાયું છે.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી - પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યોશ્રીઓ ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ સહિત ધારાસભ્યશ્રીઓ ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી.આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષા વૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલાં 21 જેટલાં બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયાં હતાં. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્ત કલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રીઓ સર્વશ્રી ઋષિકેશ પટેલ, શ્રી બલવંતસિંહ રાજપૂત, શ્રી મૂળુભાઈ બેરા, શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબહેન બાબરીયા, શ્રી હર્ષ સંઘવી, સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.