નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!
શિહોર ખાતે કૃષીમંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજી: ખેડુતો અને અધિકારીઓ હાજર રહ્યા
સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લીધી, રાજુલા યાર્ડમાં ખેડૂતો સાથે બેઠક યોજી
ગીર સોમનાથના અસરગ્રસ્ત ગામોની મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડો. પ્રધ્યુમન વાજાએ મુલાકાત લીધી
ગુજરાતમાં કારતક મહીનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડુતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડુતોનો મગફળી, સોયાબીનનો તૈયાર પાક પલળી ગયો છે. માવઠારૂપી આફતથી ખેડુતોને ભારે નુકશાન થયું હોવાથી મુખ્યમંત્રીએ તાત્કાલીક મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવાની સુચના આપી હતી. જેના પગલે રાજયના કૃષીમંત્રી જીતુ વાઘાણી નુકશાનીનો તાગ મેળવવા માટે કાજીવદર ગામે ખેતરમાં જઇ નિરીક્ષણ કર્યું હતું. તો અમરેલી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મંત્રી કૌશિક વેકરીયા સાવરકુંડલા પહોંચ્યા હતા. જયાં ખેતરોની મુલાકાત લીધી હતી.
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગર આવી પહોંચેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિહોર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રીએ શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત વેળાએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીની સીધી સૂચનાના પગલે કૃષિમંત્રીએ આજે શિહોર તાલુકાના કાજાવદર ગામની મુલાકાત દરમિયાન ખેડૂતના ખેતર પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કૌશિક વેકરીયા જાંબાળ ગામના અસરગ્રસ્ત વિસ્તારમાં ખેતરોની મુલાકાત લઇ ખેત નુકશાનીનું નિરિક્ષણ કર્યું હતું.
મંત્રી કૌશિક વેકરિયા સાવરકુંડલાના નુકસાન ગ્રસ્ત ગામોની મુલાકાત બાદ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યાં હતાં. અહીં તેઓએ ખેડૂતો, સહકારી અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી ગામડામાં થયેલ નુકસાની અંગે રજૂઆતો સાંભળી હતી. તો ખેડૂતોએ લેખિતમાં પોતાની રજૂઆતો કરી હતી. મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરિયા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી હતી.
જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ગોઠણ સભા પાણીમાં કાદવ-કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ મંત્રીઓએ પલળેલી મગફળી હાથમાં લઈ નીરિક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલાં નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો. ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન, કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષી ઝડપથી સર્વે કરવા, આર્થિક સહાય આપવા તેમજ સત્વરે ખેડૂતલક્ષી પેકેજ જાહેર થાય તે માટેની રજૂઆતો કરી હતી.
મંત્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
સરકારે સર્વેનું નાટક બંધ કરી ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ: આંબલિયા
ગુજરાતમાં કમોસમી વરસાદ મુદ્દે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ચોમાસામાં હેલી થાય તેવો વરસાદ વરસી રહ્યો છે. ડાંગર, મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં નુકસાન થયું છે. સરકારે જાહેરાતમાંથી બહાર નીકળી વાસ્તવમાં ખેડૂતને મદદ થાય તેવું કરવું જોઈએ. ગાય વર્ષે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો હતો અને આ વર્ષે પણ ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો છે. સરકારે સર્વેનું નાટક બંધ કરી ચાલુ વર્ષેનું પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ.
