વિસ્તરણના 3 સપ્તાહ પછી મંત્રીઓ અંગત સ્ટાફની રાહમાં!
કાયમી મદદનીશ, અંગત સચિવ સહિતનો સ્ટાફ નહીં ફાળવાતા કામગીરી ટલ્લે
"27મીથી ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પ્રધાનોને અપાશે ટ્યુશન”
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને ત્રણ સપ્તાહ વીતી ગયા હોવા છતાં, સ્વર્ણિમ સંકુલમાં સ્પેશિયલ 26 પૈકીના દોઢ ડઝન જેટલા મંત્રીઓ હાલમાં નવરાધૂપ છે. કાયમી મદદનીશ, અંગત સચિવ સહિતના જરૂૂરી ઓફિસ સ્ટાફના અભાવે આ મંત્રીઓ પોતાના ફાળવવામાં આવેલા વિભાગોની સક્રિય કામગીરીથી અળગા રહ્યા છે. સ્થિતિ તો એવી છે કે, આ અધિકાંશ નવા મંત્રીઓને હજી સુધી મંત્રી તરીકેની કામગીરીનું ટ્યુશન પણ મળ્યું નથી.
આ દરમિયાન, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આગામી 27મી નવેમ્બરથી વલસાડના ધરમપુર ખાતે ત્રણ દિવસિય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મંત્રીપરિષદ સહિત 211 ઈંઅજ અધિકારીઓ સામેલ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 27 થી 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે યોજનારી આ ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિરમાં તમામ મંત્રીમંડળના સભ્યો, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવો, મુખ્ય સચિવ, જિલ્લા કલેક્ટરો અને વિકાસ અધિકારીઓ ભાગ લેશે. તમામને વિવિધ સત્રો માટે વિષયાનુસાર લેશન સાથે તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરે ગુજરાત આવી રહ્યા છે. તેઓ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની મુલાકાત લેશે.
આ જ દિવસે, તેઓ સુરતમાં અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પિડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ હેઠળ સુરત-બિલિમોરા સેક્શનમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ પણ કરવાના છે. ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ નવા મંત્રીઓને ઓરિએન્ટેશન સાથે વહીવટી પ્રક્રિયાનું ટ્યુશન આપીને ચિંતન શિબિરમાં જોડાવા માટે તૈયાર કરાશે.
