વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે રૂૂ.33.76 લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું હતુ.
સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો ચેકડેમ બન્યા બાદ 20 હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ કહ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા સરકાર કટિબદ્ધ છે.
સિંચાઈ વિભાગનાં અધિક્ષક ઇજનેરશ્રી પી.આર.ગૌસ્વામીએ સ્વાગત પ્રવચનમાં મંત્રીશ્રી તેમજ ગ્રામજનોને આવકારી ચેકડેમની જાણકારી આપી ઉમેર્યુ હતુ કે, ગામમાંથી પસાર થતા સ્થાનિક વોંકળા ઉપર આશરે 24 મી. લંબાઇમાં કોંક્રીટનો ચેકડેમ બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા 11.85 ચો.કિમી. જેટલો રહેશે. ઉપરવાસમાં આશરે 400 મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી 70 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.કાર્યક્રમની આભારવિધિ અગ્રણી અમરસિંહભાઈએ કરી હતી. આ તકે ગ્રામજનો તેમજ ગામના વિવિધ મંડળોએ મંત્રીને પાણીદાર મંત્રીનું બિરુદ આપી ગામમા વિકાસનાં કામો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.