ચોટીલામાં ફાયર NOC વગર મંત્રીએ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરી નાખ્યું
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમને ઉદ્ઘાટનના અઠવાડીયામાં જ તાળા મારવા પડ્યા, પ્રવાસીઓ નિરાશ
યાત્રાધામ ચોટીલામાં રૂા.34 કરોડના ખર્ચે બનેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમનું રાજ્યના પ્રવાસીનમંત્રી મુળુભાઇ બેરાએ ફાયર એન.ઓ.સી. વગર ઉદ્ઘાટન કરી નાખતા અંતે મ્યુઝિયમ શરૂ કર્યાના અઠવાડિયામાં જ તાળા મારવાનો વારો આવ્યો છે. મ્યુઝિયમ બંધ થતા પ્રવાસીઓ ડેલે પહોંચી નિરાશ થઇને પાછા ફરી રહ્યા છે.
ગત 6 સપ્ટેમ્બરના રોજ પ્રવાસન અને વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, કલેક્ટર અને ડીડીઓની હાજરીમાં આ અધ્યતન સંગ્રહાલયને જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતભરમાંથી આ મ્યુઝિયમ જોવા આવતા લોકોને ધરમધક્કો થતાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. લાગતા વળગતા તંત્ર દ્વારા આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે 5,000 ચો.મી. પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂૂ.34 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂૂ.5 કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ જણાવ્યું હતું કે, કરોડોના ખર્ચે બનેલા આ મ્યુઝિયમને સરકાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા બાદ ફાયર એનઓસી ન મળતા હાલ એ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે સરકાર અને લાગતા વળગતા વિભાગ દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરી આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે તો ગુજરાતભરના લોકો માટે સ્વ. ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો યાદ કરવા અને ભવ્ય ભૂતકાળ વાગોળવાનો અવસર પ્રાપ્ત થઇ શકે.
આ અંગે પુસ્તકાલયમાં આવેલા સિનિયર સીટીઝન ધરમશીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ ખુબ સરસ બનાવ્યું છે, જેનાથી ચોટીલાની પ્રજા અને ગ્રામ્યની પ્રજાને એનો ખુબ લાભ મળશે, પણ હાલમાં અમને એવુ જાણવા મળ્યું છે કે, આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તો થઇ ગયું, હજી એ ખુલ્યું નથી, લોકોને અને પ્રજાને એનો લાભ મળ્યો નથી. એમાં સરકાર તરફથી એનઓસી ન મળવાના કારણે આ બન્યું હોવાનું જાણવા મળ્યું છે, વહેલી તકે એનઓસી મળે અને આ મ્યુઝિયમ શરુ કરવામાં આવે એવો અમારો પ્રજાનો સરકાર પાસે અનુરોધ છે.