ગાંધીનગર ખાતે ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા મંત્રી ભાનુબેન
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં સૌ ગાંધીનગરવાસીઓએ સહભાગી થઈને દેશની આન, બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું સેકટર 6ના અપના બઝાર ખાતેથી મંત્રી ભાનુબેન બાબરીયાએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા અપના બજાર પાસેથી પ્રસ્થાન કરી, ઘ-2 સર્કલ, ઘ-2 સર્કલથી ડાબી તરફ વળીને ચ-2 સર્કલ તરફથી સેક્ટર-7ના અપ્રોચમાંથી પસાર થઈ હતી.
જયાં ભારતમાતા મંદિરથી જમણી તરફના સેક્ટર રિંગરોડ પરથી પસાર થતાં, યાત્રા સેક્ટર-7 સરકારી પગારકેન્દ્ર શાળા, સેક્ટર-7 ગાર્ડન થઈને સેક્ટર-7ના મુખ્ય શોપિંગ સેન્ટર સુધી પહોંચી હતી. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂૂટ પર આગળ વધતી હતી, તેમ તેમ લોકોમાં દેશપ્રેમનો સૈલાબ ઉમટયો હતો. રૂૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાને પુષ્પ વૃષ્ટિ સહ આવકાર અને વધામણા કરવામાં આવ્યા હતા. સેક્ટર-7ના મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્ર ગાન અને ભારત માતાની જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી.