મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ, શોધી લાવનારને 21000 ઇનામ
ત્રિવેણી સંગમ નજીકનો પુલ જર્જરિત, ત્રણ ગામના લોકો પર જીવનું જોખમ, ભાજપના નેતાઓને પ્રવેશબંધી કરતા સ્થાનિકો
રાજકોટ સહીત આસપાસના ગામડાઓમાં જર્જરીત પુલ અને ભંગાર રસ્તાના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. રાજકોટના ત્રંબા ગામે આવેલ પવિત્ર ત્રિવેણી સંગમના ઘાટે પુલ બનાવવામાં આવ્યો હતો.
જે જર્જરીત થવા છતાં તંત્ર દ્વારા ધ્યાન નહી અપાતા આ બાબતે રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા મંત્રી ભાનુબેન બાબરીયા ગુમ હોવાનો અને ભાજપ નેતાઓને ગામમાં પ્રવેશ બંધીના પોસ્ટર મારવામાં આવ્યા છે.
આ પુલ આશરે 30 વર્ષ પહેલા રાજકોટ લોધીકા સંઘના ભંડોળમાંથી ખેડૂતોના પૈસાથી બનાવવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે નર્મદા કેનાલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, ત્યાં જવા માટે પણ આ જ પુલ પરથી પસાર થવું પડે છે. સરકાર દ્વારા 4 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટ ફાળવીને ત્રિવેણી સંગમ નદીને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ જે પુલ પરથી ત્રણ ગામના લોકો અવરજવર કરે છે, તેની જર્જરિત હાલત તંત્રને દેખાતી નથી. જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે વાડી વિસ્તારના લોકોને પોતાની વાડીએ જવામાં પણ મુશ્કેલી પડે છે.
દર વર્ષે ત્રિવેણી નદી કિનારે ગામ લોકો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પણ લાખો લોકો આ જર્જરિત પુલ પરથી પસાર થતા હોય છે. આ સ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.
તાલુકા પંચાયત સદસ્ય કોંગ્રેસના નેતા નશીત ખુંટે કહ્યું હતું કે મંત્રી ભાનુબેન બાબરીયા ચુંટાયા બાદ આ વિસ્તારમાં દેખાયા જ નથી. રજુઆતને પણ અવગણી રહ્યા છે ત્યારે ગુમ થયેલા મંત્રી ભાનુબેન બાબરીયાને શોધી લાવનારને રૂા.21 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
આ બાબતે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિપક્ષ દ્વારા ખોટા મુદાઓ ઉભા કરવામાં આવે છે અને દરેક કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા હાજર જ હોય છે.