દૂધના વેપારીએ 6.70 લાખના 27 લાખ ભર્યા, કિડની વેચીને પણ પૈસા ભરવા પડશે: વ્યાજખોરની ધમકી
નાણાંની પઠાણી ઉઘરાણી કરતા કંટાળી ગયેલા બન્ને વેપારી રાજકોટ મૂકી રાજસ્થાન જતા રહ્યા હતા: ચાર વ્યાજખોર સામે નોંધાતો ગુનો
રાજકોટ શહેરમાં વ્યાજખોર બેફામ બન્યા છે. શહેરના રેલનગરમાં દુધનો વેપાર કરતા બે મિત્રોએ ધંધાની જરૂરીયાત માટે વ્યાજખોર પાસેથી 6.70 લાખ લીધા હતા તેમને રૂા.27 લાખ ચુકવી દીધા છતા વ્યાજખોર અને તેમના ત્રણ સાગરીતોએ વધુ છ લાખની ઉઘરાણી કરી કીડની વેંચીને નાણાની ભરપાઇ કરવા ધમકી આપતા અંતે વ્યાજખોર સહીત ચારેય શખ્સો સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રેલનગરમાં શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા નિલેશભાઇ શાંતિલાલભાઇ હિંડોચા (ઉ.વ.38)એ પોતાની ફરીયાદમાન રામનાથપરાના મોહસીન ઉર્ફે એઝાઝ ઉર્ફે બાબર રજાકભાઇ બ્લોચ, મવડીના શિવરાજસિંહ, શાહરૂખ અને સાહીલના નામ આપતા તેમની સામે મનીલેન્ડ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. નિલેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓએ મિત્ર ભાર્ગવભાઇ સાથે મળી રેલનગરમાં દુધની ડેરી ચલાવે છે. 2021ની સાલમાં વેપાર માટે પૈસાની જરૂરીયાત હોય મિત્ર મારફતે વ્યાજે નાણા આપતા એઝાઝ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ સર્વેશ્સર ચોકમાં એબીસી મેડીકલની સામે ત્રીજા માળે એઝાઝ પાસેથી 2021થી 2024 સુધીમાં કુલ 6.70 લાખ વ્યાજે લીધા હતા તેની સામે અલગ અલગ સમયે ગુગલ પે અને રોકડથી કુલ રૂા.27 લાખની રકમ ચુકવી હતી.બાદમાં આ એઝાઝે પરીમલ ફાયનાન્સમાંથી રૂા.12.21 લાખની લોન ભાર્ગવભાઇના નામે લઇ કાર લીધી હતી અને ગાડીના હપ્તા ભરવાનુંં કહ્યું હતુ અને બે મોબાઇલ નિલેશભાઇના નામે લીધા હતા તેમના હપ્તા ભરવ જણાવ્યું હતું.
આ વ્યાજખોર એઝાઝે આપઘાત કરવાની પરિસ્થિતિ પર લાવી દીધા હતા. તેમજ ડેરીએ શિવરાજસિંહને મોકલી ઘર પડાવી લેવાની ધમકી આપી હતી અને કીડની વેંચીને તમારે નાણા તો ભરવા જ પડશે કહી ધમકી આપી હતી. ત્યારબાદ શારૂખ અને સાહીલ પણ ફોન કરી પૈસાની ઉઘરાણી કરતા હતા. ત્યારબાદ તા.11/04ના રોજ બન્ને વ્યાજખોરથી કંટાળી રાજસ્થાન જતા રહ્યા હતા અને પરિવારે આ બાબતે ગુમનોંધ કરાવી હતી. ત્યારબાદ પોલીસમાં હાજર થયા હતા. આમ આરોપીઓ અવાર નવાર ફોન કરી અને દુકાને આવી ધમકી આપતા પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઇ જે.જી. તેરૈયાએ તપાસ શરૂ કરી છે.