ભાણવડ પંથકમાં અનુભવાયો ભૂકંપનો હળવો આંચકો: ભયનો માહોલ
- ભૂકંપ સંદર્ભે તકેદારી રાખવા લોકોને તંત્રની અપીલ -
ભાણવડ વિસ્તારમાં ગત સાંજે લોકોએ ભૂકંપનો હળવો આંચકો અનુભવ્યો હતો. આ વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી ભૂકંપ જેવા કંપનો લોકો અનુભવી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 2.3 ની માત્રાના આ ભૂકંપ સંદર્ભે લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભાણવડ તાલુકામાં ગઈકાલે સોમવારે પ્રચંડ ધડાકા સાથે ધરતી ધણધણી ઉઠી હતી. જેના કારણે અનેક ઘરોની છતમાં ઉપરથી પોપડા પણ ખર્યા હતા. આ વચ્ચે કેટલાક કિસ્સાઓમાં દીવાલો અને છત ઉપર તિરાડો પર પણ પડી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ગઈકાલે દિવસ દરમિયાન થયેલા આ પ્રકારના ધડાકાઓથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
આ અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રએ ગાંધીનગર સ્થિત ભારતીય સિસ્મોલોજી રિસર્ચ કચેરી પાસેથી માહિતી મેળવતાં ભાણવડ પાસે 2.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાહેર થયું છે. આ ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાની અંગેના અહેવાલો નથી. ત્યારે ભૂકંપ સંદર્ભેની ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
ભૂકંપની પરિસ્થિતિમાં લોકોએ તમામ કુટુંબીજનો સાથે ભૂકંપ વિશેની સાઈઝ સાચી માહિતીની ચર્ચા કરી અને જાણકારી આપવા, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરી અને જુના મકાનોનું ટેકનોલોજીની મદદથી મજબૂતીકરણ કરવા, છત પરના પંખાઓને યોગ્ય રીતે મજબૂત રહે તેમ ફીટ કરવા, અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહીં તેવી પ્લાસ્ટિકની કોથળીમાં રાખી અને તેની ઝેરોક્ષ નકલો કરાવીને અન્ય સ્થળે રાખવા, કુટુંબમાં ઓછામાં ઓછી એક વ્યક્તિએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવા, આપત્તિ સમયે ગભરાયા વગર સ્વસ્થ રહી અને ખોટી દોડાદોડી નહીં કરવા, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ખુલ્લી જગ્યાએ રહેવા, બહુમાળી મકાનમાં રહેતા લોકોએ આપત્તિના સમયમાં લિફ્ટનો ઉપયોગ ન કરવા, વાહન ચલાવતા સમયે એક સાઈડ વાહન રોકીને વાહનમાં જ બેસી રહેવા, વિગેરે બાબતે સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત ભૂકંપની પરિસ્થિતિ બાદ પણ વિવિધ મુદ્દે સાવચેતી અને સાવધાની રાખીને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી, જરૂર પડ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થા કેન્દ્રના ફોન નંબર 02833- 232084, 02833- 232125, અથવા મોબાઈલ નંબર 7859923844 કે ટોલ ફ્રી નંબર 1077 ઉપર સંપર્ક સાધવા અને વહીવટી તંત્રને સહયોગ આપવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.