નાગરિક બેંકની ચૂંટણીમાં કાલે ‘માઇક’ અને ‘સફરજન’ની ટક્કર
રાજકોટ-સુરત-મુંબઇ સહિત સાત સ્થળે થશે મતદાન, સહકાર પેનલના 21 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારોનું ભાવિ થશે કેદ
પ્રથમ વખત સહકારી સંસ્થાની ચૂંટણીમાં વેબ કાસ્ટિંગ અને મતદાન મથકોનું વીડિયો રેકોર્ડિંગ થશે, મામા V/S ભાણેજના જંગમાં રાજકોટ શહેરની બેઠકો ઉપર સૌની નજર
રાજકોટ શહેર સહિત ગુજરાત અને મુંબઇમાં બ્રાંચો ધરાવતી રાજકોટ નાગરિક બેંકના 21 માંથી 6 ડિરેકટરો બિન હરિફ થયા બાદ બાકીની 15 બેઠકો માટે આવતીકાલે રવિવારે રાજકોટ ઉપરાંત જસદણ, જેતપુર, મોરબી, અમદાવાદ, સુરત અને મુંબઇ એમ સાત સ્થળે મતદાન યોજાનાર છે જયારે તા. 19 ને મંગળવારે પરિણામો જાહેર થનાર છે તે પૂર્વે આ ચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભા જેવો રાજકીય માહોલ જામ્યો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પરિવારના વર્ચસ્વ વાળી રાજકોટ નાગરિક બેંકમાં 28 વર્ષ બાદ સંઘ પરિવારની જ બે પેનલ સામ સામે ચૂંટણી લડી રહી છે. ખાસ કરીને બેંક ઉપર હાલ વર્ચસ્વ ધરાવતા જયોતિન્દ્રભાઇ મહેતા ઉર્ફે મામા અને તેના ભાણેજ બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારના જૂથ વચ્ચે સીધી ટકકર હોવાથી આ ચૂંટણી વધુ ચર્ચાસ્પદ બની છે.
જયોતિન્દ્રભાઇ મહેતાના આશિર્વાદવાળી સહકાર પેનલે તમામ 21 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જયારે કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલે રાજકોટ શહેરી વિસ્તાર પુરતા 15 ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ ફોર્મ ચકાસણી દરમિયાન સંસ્કાર પેનલના પાંચ ફોર્મ રદ થતા હવે તેના 11 ઉમેદવાર રહયા છે જયારે સહકાર પેનલને 21 માંથી 6 બેઠકો બિનહરિફ મળી જતા હવે 15 બેઠકો માટે આવતીકાલે મતદાન થનાર છે રાજકોટ શહેરનુ મતદાન રૈયા સર્કલ પાસે આવેલ બેંકના બિલ્ડિંગ ખાતે થનાર છે.
નાગરિક બેંકમાં કુલ 332 ડેલિગેટસ મતદારો છે તેમાંથી રાજકોટ શહેરમાં જ 196 મતદારો છે. પરિણામે રાજકોટ શહેરની 11 બેઠકો ઉપર ખરાખરીનો જંગ છે. સહકાર પેનલને સફરજન અને સંસ્કાર પેનલને માઇકનુ ચૂંટણી પ્રતિક ફાળવવામાં આવેલ છે.
આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. આ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે અને દરેક મતદાન મથક ઉપર નાયબ મામલતદાર કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત આ હાઇ વોલ્ટેજ ચૂંટણીમાં કોઇ વિવાદ થાય નહીં તે માટે કલેકટર તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે અને સહકારી સંસ્થાની ચૂંટણીમાં પ્રથમ વખત તમામ મતદાન મથકોનુ વેબ કાસ્ટિંગ તથા વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવનાર છે.
મતદાન બાદ કલેકટર કચેરી ખાતે જ ઉભા કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મતપેટીઓ રાખવામાં આવશે અને મંગળવારે મતગણતરી સમયે ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નાગરિક બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલના સુકાની કલ્પક મણિયાર સહિત ચાર ઉમેદવારો અને સહકાર પેનલના એક ઉમેદવારના ફોર્મ રદ થતા વિવાદ સર્જાયો હતો અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ મણિયાર જૂથને હાઇકોર્ટમાંથી કાનુની પછડાટ મળી હતી.
સંસ્કાર પેનલે ચૂંટણી બાદ પણ પોતાની લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે ત્યારે આગામી દિવસોમાં વધુ રોમાંચક વળાંકો આવવાની ધારણા પણ વ્યકત કરવામાં આવી રહી છે.