કોડીનારના દુદાણા ગામે શિંગોડા નદી પરના ચેકડેમમાં ડૂબી જવાથી પરપ્રાંતિય યુવકનું મૃત્યુ
કોડીનાર તાલુકાના દુદાણા ગામ નજીક શિંગોડા નદી પરના ચેકડેમમાં આજે એક પરપ્રાંતિય યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. માછીમારી કે અન્ય કોઈ કારણોસર નદી પાસે ગયેલા આ યુવકનો પગ અકસ્માતે લપસી જતાં તે ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂૂ કરવામાં આવી હતી. યુવક પાણીમાં ગુમ થતાં કોડીનાર નગરપાલિકાનો ફાયર સ્ટાફ, સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ જેવી કે હરિઓમ ટ્રસ્ટ અને ગુરુનાનક સેવા મંડળના સભ્યો તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા.
શોધખોળના કાર્યને વધુ વેગ આપવા માટે વેરાવળ રેસ્ક્યુ વિભાગના ભૌમિક પરમાર સહિતનો સ્ટાફ પણ કોડીનાર પહોંચ્યો હતો. કલાકો સુધી ચાલેલી સઘન શોધખોળ બાદ આખરે ફાયર વિભાગની ટીમને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતક યુવક અન્ય રાજ્યમાંથી રોજીરોટી મેળવવા માટે કોડીનાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે કોડીનારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અકસ્માતે યુવક નદીમાં ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.