માણાવદરના ઊંટડી ગામે ભેંસે ઢીંકે ચડાવતાં ઘવાયેલા આધેડનું મોત
પ્રભાસપાટણમાં યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
માણાવદરનાં ઉટડી ગામે ભેંસને બાંધવા જતાં આધેડના પગમાં દોરડુ વિટવાઈ જતાં આધેડ પડી ગયા હતાં તે દરમિયાન ભેંસે ઢીક મારતાં આધેડને ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. માણાવદરનાં ઉટડી ગામે રહેતાં દેવશીભાઈ બિજલભાઈ સોંદરવા નામના 58 વર્ષના આધેડ ત્રણ દિવસ પૂર્વે પોતાની વાડીએ ભેંસને બાંધવા જતાં પગના ભાગે દોરડુ વિટવાઈ જતાં પડી ગયા હતાં.
તે દરમિયાન ભેંસે દેવશીભાઈને ઢીક મારતાં ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા દેવશીભાઈ સોંદરવાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ ઉપરાંત બીજા બનાવમાં સોમનાથના પ્રભાસપાટણ ગામે રહેતાં કમલેશ બાબુભાઈ ખીમાણીયા નામના 31 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.