ગેસના બાટલા ભરેલા ટ્રકની ઠોકરે બાઇકચાલક આધેડનું મોત
માલિયાસણ નજીક બનાવ: મોરબી રોડ પર રહેતા ખેડૂત ખેરડી ગામે વાડીએ જતા હતા ને કાળ ભેટયો, પરિવારમાં શોક
રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર કુવાડવા નજીક સિકસલેનની કામગીરીના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે. હજુ એક સપ્તાહ પહેલા જ ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોના મોત થયા હતા ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. માલીયાસણ નજીક ગેસના બાટલા ભરેલા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લેતા આધેડનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ મોરબી રોડ પર રહેતા આધેડ ખેરડી ગામે વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા રશીકભાઇ માધાભાઇ મોલીયા (ઉ.વ.50)નામના આધેડ આજે સવારે પોતાનુ બાઇક લઇ ખેરડી ગામે આવેલી પોતાની વાડીએ જતા હતા ત્યારે કુવાડવા હાઇવે પર માલીયાસણ ગામ પાસે પહોંચતા ગેસના બાટલા ભેરલા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચાડવતા અકસ્માત સર્જોયો હતો જેમાં બાઇક ચાલક રશીકભાઇનુ ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહની પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક રશિકભાઇ ત્રણભાઇ એક બહેનમાં મોટા અને ખેતી કામ કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્ર મોરબી રોડ પર અંકુર ઓટોપાર્ટસ નામે દુકાન ચલાવે છે. રશીકભાઇ મુળ ખેરડી ગામના હોય અને ખેરડી ગામે તેની ખેતીની જમીન આવેલી હોય જેથી આજે તેઓ બાઇક લઇ વાડીએ જતા હતા ત્યારે ગેસના બાટલા ભેરલા ટ્રક ચાલકે બેફરાઇથી ચલાવી બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવથી પટેલ પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. કુવાડવા રોડ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.