માઈક્રોસોફ્ટ આઉટેજની હજુ પણ અસર, અમદાવાદની 9 ફ્લાઈટ રદ
અન્ય 25ના સમયમાં ફેરફાર, રાજકોટમાં સ્થિતિ પૂર્વવત
માઈક્રોસોફ્ટ આઉટેજમાં ક્ષતિને કારણે દેશભરની હવાઈ સેવાને અસર પહોંચી હતી અને ડોમેસ્ટીક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરવી પડી હતી. તો કેટલીક ફ્લાઈટ મોડી ઉપડી હતી. અમદાવાદ અને રાજકોટમાં પણ હવાઈ સેવાને અસર પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટથી ઉપડતી ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય 25 જેટલી ફ્લાઈટને અસર પહોંચી હતી. રાજકોટથી ઉપડતી ત્રણ ફ્લાઈટ રદ થઈ હતી. આજે બીજા દિવસે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી અને ઉપડતી ફ્લાઈટના સમયમાં ફેરફારો જોવા મળ્યા હતાં. જો કે, રાજકોટથી ઉપડતી અને આવતી તમામ ફ્લાઈટ આજથી પૂર્વવત થઈ છે.
આજે અમદાવાદ આવતી મુંબઈની 2, દિલ્હીથી આવતી 2, બેંગ્લોરથી આવતી 1, અમદાવાદથી દિલ્હી જતી 2, મુંબઈ જતી 1 અને બેંગ્લોલ જતી 1 એમ 9 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જ્યારે લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ બે કલાક, જ્યારે કુવૈત સિટીથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ ત્રણ કલાક માટે મોડી પડી હતી. સાઉદી અરેબિયાના જેહાદથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ 4 કલાક કરતાં પણ વધુ સમય માટે મોડી પડી હતી. ડોમેસ્ટિક ફ્લાઈટની વાત કરવામાં આવે તો દિલ્હી, મુંબઈ જેવા શહેરોની મોટાભાગની ફ્લાઈટ એક કલાક જેટલા સમય માટે મોડી પડી છે.
મહત્વનું છે કે, ગઈકાલે રાત સુધીમાં એરપોર્ટ તથા એરલાઇન્સ દ્વારા ફ્લાઈટને રાબેતા મુજબ કરી શકાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સવારે અમદાવાદ આવતી અને જતી ફ્લાઈટ રાબેતા મુજબ શરૂૂ થઈ છે. જો કે, આ એરપોર્ટ પર સામાન્ય દિવસોમાં પણ સૌથી વધુ ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે. મુંબઈ, દિલ્હી, બેગ્લોરથી અમદાવાદ આવતી અને અમદાવાદથી અન્ય શહેરોમાં જતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જ્યારે ડોમેસ્ટીક ફ્લાઈટની વાત કરીએ તો દિલ્હી, હૈદરાબાદ, ગોવા, મુંબઈ જેવા શહેરોમાં જતી ફ્લાઈટ મોડી પડતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. કારણ કે, આ ફ્લાઈટ બે કલાકથી લઈને ત્રણ કલાક જેટલા સમય માટે મોડી પડી છે. ઉપરાંત શારજાહ જતી ફ્લાઈટ પણ એક કલાક કરતા વધુ સમય માટે મોડી પડી છે.