ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરવા મેવાણીનો હર્ષ સંઘવીને પડકાર
દારૂૂ અને ડ્રગ્સ મુદ્દે હાલ ગુજરાત કોંગ્રેસે સરકાર સામે જંગ છેડી છે. ખાસ કરીને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાતમાં થતાં દારૂૂ અને ડ્રગ્સના વેપાર મુદ્દે DyCM હર્ષ સંઘવી પર સતત નિશાન સાધી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક દિવસોથી આ મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા વિવિધ સ્થળોએ જુદા-જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં બાઈક રેલી યોજીને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે એટલેકે NSUIએ 'SAY NO TO DRUGS’અભિયાન હાથ ધર્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી યોજાઈ રહેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. ત્યારે ફરી એકવાર જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવી સામે પડકાર ફેંક્યો હતો. બાઈક રેલી ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનથી ગુજરાત કોલેજથી રાજીવ ગાંધી ભવન પહોંચી હતી.કોંગ્રસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તારમાં છે. ત્યારે તેઓને આહવાન કરું છું કે, આવી જાવ ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ.