ગુજરાતી લોકગીતોના અંગ્રેજી આસ્વાદના પુસ્તક ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’નું 02 જૂલાઇએ વિમોચન
અંબર પંડ્યાએ ‘ચાંદો ઊગ્યો ચોકમાં’નાં 50 લોકગીતો યથાવત રાખી આસ્વાદનો કર્યો અંગ્રેજી અનુવાદ
પ્રિન્સિપાલ ડી.પી.જોશી પબ્લિક લાઈબ્રેરીના ઉપક્રમે દર મહિને યોજાતી ‘ગ્રંથગોષ્ઠિ’ની બેઠકમાં આગામી તા.2 જુલાઈએ ગુજરાતી લોકગીતોના આસ્વાદના અંબર પંડ્યા દ્વારા થયેલા અંગ્રેજી અનુવાદનું પુસ્તક ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’ વિમોચિત થશે.સુપ્રસિદ્ધ લોકગાયક, લેખક, પત્રકાર નીલેશ પંડ્યા લિખિત અને ગુજરાત માહિતી વિભાગ,ગાંધીનગર દ્વારા પ્રકાશિત લોકગીતો અને રસદર્શનના લોકપ્રિય પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’નાં પસંદ કરેલાં 50 લોકગીતો ગુજરાતીમાં યથાવત્ રાખી,એના આસ્વાદનો અંગ્રેજી અનુવાદ અંબર પંડ્યાએ ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’ નામે કર્યો છે.
અને વેદાંત નોલેજ સીસ્ટમ પ્રા.લિ.દ્વારા એનું પ્રકાશન થયું છે જેનું વિમોચન ‘ગ્રંથગોષ્ઠિ’ની આગામી 315મી બેઠકમાં તા.2 જુલાઈએ સાંજે 4:45 વાગ્યે ગરિમાપૂર્ણ સમારોહમાં સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાઘર),નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે થશે.
સમારંભના અધ્યક્ષપદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ઉત્પલ જોશી,મહેમાનપદે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સંસ્થાપક ગુલાબભાઈ જાની,દૂરદર્શન કેન્દ્ર રાજકોટના પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ સલીમભાઈ સોમાણી, જાણીતા લેખક, સંશોધક, પત્રકાર રાજુલભાઈ દવે,વેદાંત નોલેજ સીસ્ટમ પ્રા.લિ.ના ડાયરેક્ટર સી.એસ. રાજભાઈ સોની રહેશે. ઉલ્લેખનીય છે કે આપણી પાસે લોકગીતોના ગુજરાતી આસ્વાદનાં પુસ્તકો પણ આંગળીને વેઢે ગણાય એટલાં જ છે ત્યારે અંબર પંડ્યાનું ‘મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ’રાજ્ય અને દેશનો દાયરો ઓળંગી અંગ્રેજી જાણનારા બિનગુજરાતી સમુદાયને પણ ગુજરાતની લોકપરંપરા, લોકસંસ્કૃતિનો પરિચય કરાવશે.
