સૌરાષ્ટ્રમાં મેઘરજાનો તાંડવ..! ગોંડલની કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ:કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકો લાપાતા
રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગોંડલમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ હતી. ઇક્કો કાર વાસાવડ ગામ તરફથી મોટી ખીલોરી જતી હતી ત્યારે આ દરમિયાન મોટી ખીલોરી ગામે કોલપરી નદીના બેઠા પુલ પરથી પર ઇક્કો કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ઇક્કો કારમાં એક બાળક સહિત પરિવારના ત્રણ લોકો સવાર હતા.
ઇક્કો કારમાં પરિવાર ગોંડલના મોટી ખીલોરી ગામે તેમના સગાને ત્યાં જઈ રહ્યા હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ઇક્કો કાર મળી આવી હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિ લાપતા છે. નદીમાંથી ઇક્કો કારને અન્ય વાહનોની મદદથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર ટીમ અને NDRFની મદદ લેવાઈ છે. સમગ્ર બનાવને લઇને Dy.SP કે.જી.ઝાલા, તાલુકા PSI સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.
બાબરા તાલુકાના રાયપર ગામે રહેતા જયેશભાઇ પરસોતમભાઈ રાદડિયા (ઉ.વ.40), સોનલબેન જયેશભાઇ રાદડિયા (ઉ.વ.39) અને ધર્મેશ જયેશભાઇ રાદડિયા (ઉ.વ.11) આ ત્રણેય વ્યક્તિ ઇક્કો કારમાં સવાર હતા. ઇક્કો કાર મળી ગઈ છે, પરંતુ કારમાં સવાર લાપતા પરિવારની શોધખોળ હાલ ચાલી રહી છે.