રાજ્યમાં 14 સપ્ટેમ્બરથી મેઘરાજા બોલાવશે ધબધબાટી, આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અને યલો એલર્ટ જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ક્યાંક ધીમો વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી છૂટો છવાયેલો ધીમો વરસાદ પડી શકે છે. 14 સપ્ટેમ્બરે એટલે કે શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદારા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે.
15 સપ્ટેમ્બર એટલે કે રવિવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે 16 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.