નવમા નોરતે પણ મેઘરાજા ગરબે ધૂમ્યા, ખેલૈયાઓ નિરાશ
અમુક રાસોત્સવો બંધ રહ્યા, અમુકે મેગા ફાઇનલ રમાડી કાર્યક્રમો આટોપ્યા, પ્રાચીન ગરબીઓમાં પણ વિક્ષેપ
રાજકોટમાં સતત ત્રણ દિવસથી, નવરાત્રિની રાત્રિના સમયે વરસાદ વરસતા રાજકોટમાં 50 અર્વાચીન દાંડિયારાસ અને નાની-મોટી 600થી વધુ ગરબીઓના આયોજકો ચિંતામાં મુકાયા હતા અને આયોજનો વેરવિખેર થયા હતા.
રવિવારની રાત્રે ધોધમાર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે મંગળવારે દિવસના ઉઘાડ રહ્યો પરંતુ, રાત્રિના ઝરમર વરસાદ વરસતા ખેલૈયા, દર્શકો ભીંજાયા હતા. સાંજે સાર્વત્રિક ઝરમર વરસાદ બાદ રાત્રિના રાસ-ગરબા શરુ થવાના સમયે જ ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. જેના પગલે કેટલાક અર્વાચીન રાસના મેદાનોમાં પાણી ભરાયા હતા. જ્યાં દાંડિયારાસ રમવા માટે નાણાં વસુલાય છે તેવા અર્વાચીન રાસમાં થોભો અને રાહ જુઓની નીતિ જોવા મળી હતી તો પ્રાચીન ગરબીઓના સ્થળે માતાજીની આરતી કરીને તાલપત્રી ઢાંકી દેવાઈ હતી.
જો કે, મોડીરાત સુધી હળવો વરસાદ ચાલુ જ રહેતા મોટાભાગના રાસોત્સવો રદ કરાયા હતા જયારે કેટલાક રાસોત્સવમાં રાત્રે ખેલૈયાઓની પાંખી હાજરીમાં ઝરમરીયા વરસાદ વચ્ચે મેગા ફાઇનલ રમાડી ઇનામ વિતરણ કરાયા હતા અને રાસોત્સવો પૂર્ણ કરાયા હતા. પ્રાચીન ગરબીઓમાાં પણ મેઘરાજાએ વિક્ષેપ પાડ્યો હતો.
ચાલુ વર્ષે નવરાત્રિ દરમિયાન રાસોત્સવો જમાવટ કરી રહ્યા હતા. ત્યા જ સાતમાાં નોરતે મેઘરાજાએ બઘડાટી બોલાવતા આયોજકોને ભારે નુકસાન વેઠાવાનો વારો આવ્યો હતો અને ખેલૈયાઓ પણ નિરાશ થયા હતા.