સોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ-પાટણ અને સુત્રાપાડા તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.સામાન્ય રીતે 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂૂઆત થતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની શરૂૂઆતમાં સિઝનનનો વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે.
જેમાં આ વર્ષના ચોમાસાની શરૂૂઆતથી તા.18-06-2025ને સાંજના 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઇએ તો, તાલાલામાં 95, ઉનામાં 101, કોડિનારમાં 105, સુત્રાપાડામાં 129, વેરાવળ-પાટણમાં 120 અને ગીર ગઢડામાં 83 મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ 105.5 મી.મી. વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૂત્રાપાડા તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ ગીર ગઢડા તાલુકામાં નોંધાયો છે.