રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ સૂત્રાપાડામાં 8.03 ઈંચ વરસાદ, આજે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે નવરાત્રિના ગરબાના રંગમાં ભંગ પડયો છે. ગરબાના પંડાલ જળમગ્ન થતાં અનેક સ્થળોએ ગરબાનું આયોજન મુલતવી રખાયું હતું. છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં નોંધાપત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ વરસાદ થયો.
છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. વલસાડના કપરાડામાં 4.88 ઈંચ, ઉમરગામમાં 4.65 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના પાટણ વેરાવળમાં 4.61 ઈંચ વરસાદ, જૂનાગઢના માંગરોળમાં 4.41 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યરે રાજ્યના 47 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.
હવામાન વિભાગનાના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ રહેશે. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.