મેઘરાજાના ગરબા, 66 તાલુકા ભીંજવ્યા
ધોરાજીના પાટણવાવમાં એક કલાકમાં ત્રણ ઇંચ : ભાવનગરમાં 2 ઇંચ વરસાદથી પાણી-પાણી
નવરાત્રિના પ્રારંભે મેઘરાજાએ ગઇકાલે 66 તાલુકાઓમાં 0॥ થી 3 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. ધોરજીના પાટણવાવમાં એક કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ઓસમ ડુંગર ઉપરથી પાણીના ધોધ વહ્યા હતા. તેમજ ભાવનગરમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.
તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં આહવા 2 ઇંચ, પારડી 1॥ ઇંચ, રાજુલા, નવસારી, જાફરાબાદમાં 2 ઇંચ, તેમજ ચીખલી, વાલોડ, વાપી, પેટલાદ, વલસાડ, કરજણ, નડિયાદમાં 0॥ અને અન્ય તાલુકાઓમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના 66 તાલુકાઓમાં ગઇકાલે 0॥ થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
જેમાં ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે બપોરના 4:30 થી 5:30 સમય દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ એક કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ હતો પાટણવાવ ગામ પાસે આવેલ ઓસમ ડુંગર ઉપર થી ધોધ તથા પાણીના ઝરણા વહેતા થયેલા હતા જ્યારે ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે એક ઇંચ વરસાદ નોંધાયો હતો તલંગણા ગામ અડધો ઇંચ વરસાદ પડેલ હતો તાલુકાના મોટી પાનેલી માં પણ સામાન્ય ઝાપટું પડેલ હતો. તેમજ આજે સોમવારે વહેલી સવારે ચાર વાગે ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો.
અને છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો. ભાવનગર શહેરમાં આજે 49 મી.મી. વરસાદ નોંધાતા ભાવનગર શહેરનો સિઝનનો કુલ વરસાદ 700 મી.મી. થયો છે. શહેરમાં વરસાદને કારણે અને હજુ બે દિવસ વરસાદની આગાહી હોય નવરાત્રિના ખેલૈયાઓમાં ચિંતાની લાગણી ફેલાય છે. હજૂ પણ ગુજરાત ઉપર વાદળોના ગંજ ખડકાયેલા હોય અને હવામાન વિભાગ દ્વારા આગમી બે દિવસ એલર્ટ આપેલુ હોવાથી વધુ વરસાદની સંભાવના જોવાઇ રહી છે.