મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ!! પંજાબમાં પૂર, રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ ભારે વરસાદની આગાહી
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલ ચોમાસું સક્રિય છે. ભારે વરસાદના કારણે દેશના ઘણા શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. પહાડી વિસ્તારોથી લઈને મેદાની પ્રદેશો સુધી, દરેક જગ્યાએ વરસાદે વિનાશ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં યમુના અને ગંગા નદી છલકાઈ રહી છે, મથુરામાં પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પર હોડીઓ દોડી રહી છે, પ્રયાગરાજ અને વારાણસીમાં ગંગાનું પાણીનું સ્તર વધી રહ્યું છે, હરિયાણાના ઘણા શહેરો પણ પૂરના કહેરનો સામનો કરી રહ્યા છે.
સામાન્ય રીતે રાજસ્થાનમાં હંમેશા પાણીની અછત રહે છે, પરંતુ આ વખતે રાજસ્થાનમાં પણ વાદળો ઘેરાઈ ગયા છે, રાજસ્થાનના ઘણા શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ઉદયપુર અને ધોળપુરમાં રસ્તાઓ પર પૂર છે, લોકો દરેક જગ્યાએ પાણીમાં ફસાયેલા છે, એવું લાગે છે કે આખું શહેર સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય.
ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. અનેક શહેરોના ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, બનાસકાંઠા અને વલસાડ જેવા શહેરોમાં પાણી ઘૂસી ગયું છે, એટલો બધો વરસાદ પડ્યો છે કે શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે, રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. એટલું જ નહીં, અહીં વધુ વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.
પંજાબમાં પણ કુદરતે તબાહી મચાવી છે, પંજાબના તમામ 23 જિલ્લાઓ ભયંકર પૂરની ઝપેટમાં છે. લગભગ બે હજાર ગામડાઓ પૂરમાં ડૂબી ગયા છે. પંજાબમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક લાખ 75 હજાર હેક્ટર પાકનો નાશ થયો છે. આ વિનાશ અને દુર્ઘટના વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુરની મુલાકાત લેશે અને પૂર પીડિતોને મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત અને તેની નજીકના દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા દબાણને કારણે 8 સપ્ટેમ્બર સુધી રાજસ્થાન અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય, આજે ઉત્તરાખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મેઘાલય અને તમિલનાડુમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.