નવરાત્રિ પહેલાં જ રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી!! વલસાડ, તાપી અને સુરતમાં વરસાદ
રાજ્યમાં નવરાત્રિના આગમન પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આજે સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મેઘરાજાએ દસ્તક દેતાં ગરબે ઘૂમવા થનગનતા ખેલૈયાઓની ચિંતા વધી છે.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. શહેરમાં માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે 22 અને 23મી સપ્ટેમ્બરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સમાચારથી ખેલૈયાઓની ચિંતા વધી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. 17થી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.