ગાંધીનગરમાં 700 દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન: ભારે ઉત્તેજના
700 થી વધુ પોલીસ કર્મી, કોર્પોરેશનની 20 ટીમો, 10 જેસીબી, 15 ટ્રક સહિતનો કાફલો જોડાયો, 1000 કરોડની જમીન ખુલી કરવામાં આવશે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરૂૂવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત એક હજાર કરોડની એક લાખ ચોર મીટર જગ્યા ખુલ્લી કરાશે. અંદાજે 700 થી વધુ ઘરો તથા અન્ય બાંધકામો હટાવવામાં આવી રહ્યાં છે.
આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, આજ સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયા છે તે દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમો કોર્પોરેશન તરફથી અને આરએન્ડબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.
આ ડ્રાઈવમાં 115 જેટલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ 115 દબાણકર્તાઓને ગેરકાયદેસર બાંધકામોના સંબંધમાં આધાર-પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી માટે 700 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
પોલીસ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા, દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ છે. આ ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સહિત કુલ 1000 જેટલા સરકારી કર્મચારીઓ જોડાયા છે. આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે 10 જેસીબી અને 15 જેટલા ટ્રકની મદદ લેવામાં આવી છે.
700થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે એક મોગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ મેગા ડિમોલિશન માટે 10 જેસીબી, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.