જૂનાગઢમાં ફરી મેગા ડિમોલિશન, અનેક ધર્મસ્થળો તોડી પડાયા
પોલીસ બંદોબસ્ત હેઠળ દાતાર રોડ, ગાંધીચોક, મોતીબાગ, જાંજરડા રોડ, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ઓપરેશન : ગુજસીટોકના આરોપી જવાર સોલંકીના ગેરકાયદે બાંધકામો પણ ધ્વસ્ત
લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામોના કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા જૂનાગઢ શહેરમાં આજે સવારથી ફરી ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે અને શહેરમાં નડતરરૂપ અનેક ધાર્મિક સ્થળો તેમજ ગુજસીટોકના આરોપી જવાર સોલંકીની ગેંગના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. આજ સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ધાર્મિક દબાણો સામે આજે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દાતાર રોડ, ગાંધી ચોક, મોતીબાગ, ઝાંઝરળા અને કાળવા ચોક જેવા વિસ્તારોમાં અનેક દરગાહો સહિતના ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોકના આરોપી જવાર સોલંકીના ગેરકાયદેસર બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા હતાં.
આ ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેનું પાલન ન થતા આજે સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. નરસિંહ મહેતા તળાવની સામેના વિસ્તારમાં તેમજ સાબલપુર ચોકડી અને બીલખા રોડ વિસ્તારમાં પણ ગેરકાયદે દબાણોને હટાવવામાં આવ્યા હતા.આ મેગા ડિમોલિશનની કામગીરીને કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. એસટી બસ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોના રૂૂટને કામચલાઉ ધોરણે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.